
વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરતથી પોતાના વતન જઈ રહેલાઓને ધોકા મારી પાછા મોકલ્યા.. બોવ વોટ આપ્યા, આપો હજુ… શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 645 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરત નજીકના ટ્રાફિકના આ દ્રશ્યો છે. વતન જવા નીકળેલા લોકોને ધોકા મારી પાછા મોકલ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ આ વિડિયો પ્રાપ્ત થયો હતો. આરોહી પટેલ નામના યુઝર દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “*બ્રેકિંગ ન્યૂઝ* બનાસકાંઠા અમીરગઢ રાજસ્થાન બોર્ડર પર આ દ્રશ્યો જુઓ સરકારે પરપ્રાંતિયોને પોતાના વતન” આ દ્રશ્યો અમીરગઢ ચેકપોસ્ટના હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતથી રાજસ્થાન જવા માટે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા.”

VTV NEWS દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ કુમાર દુગ્ગલ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અમીરગઢ બોર્ડર પછી રાજસ્થાનના મવ્વાલ વિસ્તારના દ્રશ્યો છે. આ તમામ લોકોને ગુજરાત બોર્ડર ક્રોસ કરી દેવામાં આવી હતી. કોઈને પણ રોકવામાં નથી આવ્યા. રાજસ્થાન સરકાર દ્વારા આ તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યુ હતુ. તેથી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત નજીકનો નથી. તેમજ આ તમામ લોકોને તેમના વતન જવા દેવામાં આવ્યા હતા.ધોકા મારી પરત મોકલવામાં આવ્યા તે વાત તદ્દન ખોટી છે.

Title:અમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
