
Laxmanbhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે – જાણો વિગતે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવા ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને VTV GUJARATI નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શાળા સંચાલક મંડળ દ્વારા તારીખ 18ના મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારને વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી દેવા રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.” જે તમે નીચે વાંચી શકો છો.VTV GUJARATI | ARCHIVE
ત્યારબાદ અમને GSTV નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ મિટિંગમાં શૈક્ષણિક સત્ર પણ એપ્રિલના બદલે જૂલાઈમાં મોડું શરૂ કરવા સરકારને રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમારી પડતાલને વધૂ મજબુત કરવા અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક ન થતા તેમના પીએનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલમાં ધોરણ 1 થી 9 ની પરીક્ષા રદ કરવા સરકારે આ અંગે કોઈ વિચારણા કરી નથી. તેમજ આ પ્રકારની રજૂઆત મળી નથી. સરકાર જરૂર પડ્યે પ્રજા લક્ષી અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણયો લેશે.”
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમારી 18 માર્ચના મળેલી મિટિંગમાં ચાર માંગણીઓ સરકાર પાસે મુકવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ભૂતકાળમાં નવનિર્માણ આંદોલન વખતે જે રીતે માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ તે રીતે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપી અને આગળના વર્ગમાં મોકલવામાં આવે અને નવુ સત્ર ચાલુ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવે. જે અમારી મુખ્ય માંગ છે. જે અમે સરકાર પાસે રજૂ કરશુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે સરકાર દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, શાળા સંચાલક મંડળ દ્વારા આ પ્રકારે સરકારને રજૂઆત કરવાનું હજુ નક્કી કર્યુ છે. સરકાર દ્વારા આ અંગે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી.

Title:શું ખરેખર ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
