
મોજ કરો ને વ્હાલા નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Article Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ રીતે ખુલ્લી જમીન પર ભગવાન શિવજીની 300 કિલો સોનાની મૂર્તિ હજુ પણ પડી હોય અને ખુંખાર સર્પો તેની રક્ષા કરતા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને marwarpatrika.com દ્વારા 13 જુલાઈ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચાર 2 વર્ષ જૂના છે. આ સંપૂર્ણ સમાચારને ધ્યાનથી વાંચતાં અમને માલૂમ પડ્યું હતું કે, રાજસ્થાનના રાનીવાડા તાલુકાના રત્નાવટી એટલે કે રતનપુર ગામ નજીકથી એક બેગમાં લપેટીને મૂકવામાં આવેલી ભગવાન શિવજીની પંચધાતુની મૂર્તિ મળી આવી હતી. જેની જાણ ગામ લોકો દ્વારા પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા આ મૂર્તિનો કબજો લેવામાં આવ્યો હતો. જે તમે નીચેના સંપૂર્ણ સમાચારમાં જોઈ શકો છો.

આ સમાચાર પરથી એ માલૂમ પડ્યું હતું કે, હાલની પરિસ્થિતિ મુજબ આ પ્રકારે ભગવાન શિવજીની મૂર્તિ ખુલ્લી જમીન પર નથી પડી કે તેની રક્ષા પણ સર્પો નથી કરતા. ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે 2017 માં બનેલી આ ઘટના અંગે રાનીવાડાના તત્કાલીન પીઆઈ ચંપારામ બારડ સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “જે તે સમયે આ પ્રકારે ભગવાન શિવજીની મૂર્તિ રત્નાવટી નજીકથી મળી આવી હતી પરંતુ તે 300 કિલો સોનાની બનેલી હતી એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી. તેમજ ગામ લોકો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા આ મૂર્તિ કબજે લેવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલો કોર્ટમાં જતાં કોર્ટ દ્વારા આ મૂર્તિ ત્યાંના સ્થાનિક શિવ મંદિરને સોંપવામાં આવી હતી. હાલમાં આ મૂર્તિ ખુલ્લી જમીન પર પડી હોવાની માહિતી ખોટી છે.”
આમ, અમારા ઉપરના તમામ સંશોધન પરથી એ સાબિત થથાય છે કે, રત્નાવટી નજીકથી મળી આવેલી શિવજીની મૂર્તિ અંગે તે 300 કિલો સોનાની બનેલી છે અને હાલમાં ખુલ્લી જમીન પર પડી છે તે માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આર્ટિકલનું શીર્ષક ખોટું સાબિત થાય છે કારણ કે, રત્નાવટી નજીકથી મળી આવેલી શિવજીની મૂર્તિ અંગે તે 300 કિલો સોનાની બનેલી છે અને હાલમાં ખુલ્લી જમીન પર પડી છે તે માહિતી ખોટી છે. તેમજ જે તે સમયે જ આ મૂર્તિ કોર્ટ દ્વારા સ્થાનિક શિવ મંદિરને સોંપવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False Headline
