
T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. તે પછી, કાશ્મીરની કેટલીક કોલેજોમાંથી કથિત રીતે પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વિડિયો વાયરલ થયા હતા. આ અંગેના એક સમાચાર સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.
જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “શ્રીનગર મેડિકલ કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી રદ કરી દેવામાં આવી છે અને હવે તેઓ ડોક્ટર નહીં બની શકે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. શ્રીનગરની મેડિકલ કોલેજની 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી રદ કરવામાં આવી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kalpesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શ્રીનગર મેડિકલ કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી રદ કરી દેવામાં આવી છે અને હવે તેઓ ડોક્ટર નહીં બની શકે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ દાવા માટે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું અને અમને આવો કોઈ વિશ્વસનીય સમાચાર લેખ મળ્યો નહીં. જેમાં શ્રીનગર મેડિકલ કોલેજની સો વિદ્યાર્થીનીઓની ડિગ્રી રદ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ હોય.
ત્યારબાદ અમે એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે શ્રીનગરની કઇ કોલેજના વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ વર્ષે 26 ઓક્ટોબરે જનસત્તા દ્વારા પ્રકાશિત એક સમાચાર અનુસાર, શ્રીનગરની બે મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ અને શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ શ્રીનગર (SKIMS)ના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનની જીત પર કથિત રીતે ખુશી મનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આને ધ્યાનમાં રાખીને ફેક્ટ ક્રેસેન્ડોએ સૌપ્રથમ SKIMS કોલેજનો સંપર્ક કર્યો હતો. તેણે અમને કહ્યું કે, “SKIMS કોલેજમાં આવી કોઈ ઘટના બની નથી. પાકિસ્તાનની જીત બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા ન હતા. અમારા કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા કોઈપણ વિડિયોમાં નથી.”
પછી ફેક્ટ ક્રેસેન્ડોએ સરકારી મેડિકલ કોલેજના પ્રમુખ ડો. સૈયદ સજાદ નઝીરનો સંપર્ક કર્યો, જેમણે દાવો નકાર્યો. તેમણે કહ્યું, “આ ફેક ન્યૂઝ છે. સરકાર કોઈની ડિગ્રી રદ કરી શકે નહીં. આ સમાચાર ઇન્ટરનેટ પર ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યા છે.“
આગળ વધીને અમે સ્થાનિક પત્રકારનો પણ સંપર્ક કર્યો. શ્રીનગર સ્થિત પત્રકાર બાસિત ઝારગરે કહ્યું કે, “વાઈરલ થઈ રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. એવા કોઈ સમાચાર સામે આવ્યા નથી કે જેમાં કહેવામાં આવ્યું હોય કે મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓને ડિગ્રી આપવામાં આવશે નહીં.”
ફેક્ટ ક્રેસેન્ડો જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા નાસિર ખુહમીના સંપર્કમાં આવ્યો. તેણે અમને કહ્યું કે “વાઈરલ થઈ રહેલો દાવો ખોટો છે. આ મામલે હજુ તપાસ ચાલુ છે અને સરકાર આવા કોઈ તારણ પર આવી નથી. અત્યાર સુધી તેઓએ એવો કોઈ આદેશ જારી કર્યો નથી કે જેના આધારે વિદ્યાર્થીનીઓની ડિગ્રી રદ કરવામાં આવી હોય.”
વાતચીત દરમિયાન તેમણે અમને એ પણ જણાવ્યું કે “આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે SKIMS કોલેજમાં પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવાનો અને તેના માટે સૂત્રોચ્ચાર કરવાનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. પોલીસને જાણવા મળ્યું છે કે જે વિડિયો વાયરલ થયો છે તે SKIMS કોલેજનો નથી. સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની તપાસ હજુ ચાલુ છે.”
આ પછી અમે વાયરલ થઈ રહેલી તસવીર વિશે રિસર્ચ કર્યું. ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ તસવીર વર્ષ 2017માં લેવામાં આવી હતી. અમને આ તસવીર BDC ન્યૂઝ નામની વેબસાઈટ પર મળી છે. તેની સાથેની માહિતીમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આઝમગઢ જિલ્લાના દાઉદપુર ગામમાં સવારની મિટિંગ દરમિયાન ફાતિમા ગર્લ્સ ઇન્ટર કોલેજના વિદ્યાર્થીઓ.” (શાબ્દિક)
આ સમાચાર લેખ 12 નવેમ્બર 2017 ના રોજ પ્રકાશિત થયો હતો.
ત્યારબાદ અમે શ્રીનગરના SSP સંદીપ ચૌધરીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે હજુ સુધી અમને કોઈ જવાબ આપ્યો નથી. તેનો જવાબ આવતા જ અમે તેને અહીં અપડેટ કરીશું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. શ્રીનગરની મેડિકલ કોલેજની 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી રદ કરવામાં આવી નથી.

Title:શું શ્રીનગર મેડિકલ કોલેજની 100 વિદ્યાર્થીનીઓને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ ડિગ્રી નહીં મળે..?
Fact Check By: Yogesh KariaResult: False
