
Zalavadiya Kano નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર,2019 ના રોજ Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પાટીદારો ને ગરજ હતી એટલે તેમણે ભાજપ ને મત આપ્યાં, ભાજપ ને એમની કોઈ જરૂર નથી. – અમિત શાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમિતશાહે પાટીદોરો વિશે એવું કહ્યું કે, પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive| Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ આ પ્રકારનું કોઈ નિવેદન કરવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ આ પ્રકારનું કોઈ નિવેદન કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી – અમિત શાહ સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને એબીપી અસ્મિતાના બ્રેકિંગ ન્યૂઝના ફોન્ટ અને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના ફોન્ટની સરખામણી કરતાં અમને આ બંને વચ્ચેનો તફાવત માલૂમ પડ્યો હતો. આ બંને ફોન્ટ એકબીજાથી તદ્દન જુદા પડતા હોવાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, કોઈ ઠગબાજ દ્વારા એબીપી અસ્મિતાના લોગોનો દૂરપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે. આ બંને ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ પોસ્ટ અંગે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “લગભગ 2 વર્ષ પહેલાં આજ રીતે અમારી ચેનલના લોગોનો દૂરપયોગ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. જેની અમને જાણ થતાં અમે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. અને ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાલમાં અમારી ચેનલના લોગો સાથે જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. અમારા દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી રજૂ કરવામાં નથી આવી.”

આ સમગ્ર સંશોધનને અંતે અમે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ પરના અધિકારી સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “એબીપી અસ્મિતા દ્વારા વર્ષ 2017 માં 12 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એબીપી ચેનલના લોગો સાથે ખોટી માહિતી વાયરલ થવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેનો FIR નંબર 3207 છે. પોલીસે આ અંગે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી.”
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું. તેમજ એબીપી અસ્મિતા ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી અસ્મિતા ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
