
Manavta Parivar નામના ફેસબુક યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, માધવપુર ઘેડ ના દરિયા માં થી સોનું નીકળી રહીયુ છે પણ અદ્ભુત મુર્તિ પણ નીકળી છે લાગે છે કે સોના નિ નગરી માધવપુર માજી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોરબંદરના માધવપુર ઘેડ દરિયા કિનારેથી સોનુ નીકળી રહ્યું છે. આ પોસ્ટને 157 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર પોરબંદરના માધવપુર ઘેડના દરિયા કિનારેથી સોનુ નીકળ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ માધવપુર સોનુ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને gstv.in દ્વારા 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, પોરબંદરના માધવપુર ઘેડ દરિયા કિનારે સોનાના સિક્કા અને દાગીના નીકળતા હોવાની માહિતીને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈને પણ કંઈ પ્રાપ્ત થયું હોય એવી કોઈ જ માહિતી મળી નથી. તેમજ અત્યાર સુધી ધાતુની મૂર્તિ જેવું કંઈક મળી આવ્યું છે. જે ગ્રામ પંચાયત દ્વારા કબજે લેવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં પણ ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ માધવપુરના દરિયા કિનારેથી સોનુ નીકળ્યું હોવાની કોઈ જ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ માધવપુરના દરિયા કિનારેથી સોનુ નીકળતું હોવાની માહિતી એક અફવા માત્ર છે એવું જણાવવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોરબંદરના મામલતદાર જે.એમ.વાછાણી સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “પોરબંદરના માધવપુરના દરિયા કિનારેથી સોનુ મળ્યાની માહિતી એક અફવા માત્ર છે. આ દરિયા કિનારેથી એક ધાતુની મૂર્તિ જેવું કાંઈક મળી આવ્યું છે. તે ગ્રામ પંચાયત દ્વારા પુરાતત્વ ખાતાને સોંપવાની કામગીરી ચાલુ છે. જોકે હજુ સુધી આ દરિયા કિનારેથી કોઈને સોનુ મળ્યું હોય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ નથી.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોરબંદરના માધવપુર દરિયા કિનારેથી સોનુ નીકળ્યું હોવાની માહિતી એક અફવા માત્ર છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોરબંદરના માધવપુર દરિયા કિનારેથી સોનુ નીકળ્યું હોવાની માહિતી એક અફવા માત્ર છે.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર માધવપુરના દરિયા કિનારે સોનુ મળી આવ્યું…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
