
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો હાલનો નથી, અશોક ગહેલોત દ્વારા વર્ષ 2019માં કરવામાં આવેલી મુલાકાતના વિડિયોને હાલમાં ખોટો દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
अमितकुमार सोनी हिन्दुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો યુ ટ્યુબ પર 4 ફેબ્રુઆરી 2019માં અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના શીર્ષકમાં હિન્દી ભાષામાં લખવામાં આવ્યુ હતુ કે, “અશોક ગેહલોત મસ્જિદમાં” જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, આ વિડિયો હાલનો નથી. ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ગલિયા કોટમાં મજાર-ઈ-ફાખરીની મુલાકાતે ગયા” અને વિડિયોમાં નીચે આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત સૈયદી ફખરૂદ્દીન શહીદની કબ્ર પર શ્રધ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે ગલિયાકોટ આવ્યા હતા. આ વિડિયો જાન્યુઆરી 2019ના પ્રસારિત કરવામાં આવ્યો હતો.”
આ વિડિયોમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે ઘણા લોકો જોવા મળે છે. અશોક ગહેલોત અંદર જતા અને થોડા સમય બાદ બહાર આવતા દેખાઈ રહ્યા છે. 1.20 મિનિટના આ વિડિયોમાં 0.38 થી લઈ 1.05 મિનિટ વચ્ચે વાયરલ થઈ રહેલી ક્લિપ જોઈ શકાય છે.
આ ઉપરાંત અમે વધુ સર્ચ કરતા અમને ઘણા સમાચાર અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. જે એ વાતની પૃષ્ટી કરતા હતા કે મુખ્યમંત્રી અશોક ગહેલોત જાન્યુઆરી 2019માં ગલિયાઘાટ મજાર-ઈ-ફાખરી ગયા હતા.
સમાચાર અનુસાર, “મુખ્યમંત્રી બન્યા બાદ અશોક ગેહલોતે રાજસ્થાનના ડુંગરપુરની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમણે ડુંગરપુર જિલ્લાના ગલીયાકોટની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે ખારાગડા ગામે સ્થિત ક્ષેત્રપાલ ભૈરવ જી મંદિર અને ગલીયાકોટ સ્થિત પ્રાચીન શીતલા મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી અને તેમણે ગલીયાકોટ દરગાહની પણ મુલાકાત લીધી હતી. ખારાગડામાં, નાની છોકરીઓએ પરંપરાગત રીતે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મંદિર ટ્રસ્ટ દ્વારા પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમણે ગલિયાકોટની વિશ્વ વિખ્યાત પીર ફખરૂદ્દીનની દરગાહમાં પણ જિયારત કરી હતી.”

તેમજ આ પ્રવાસની જાણકારી અશોક ગહેલોત દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી પણ આપવામાં આવી હતી અને સાથે અમુક ફોટો પણ શેર કરી હતી. તેમણે માહિતી શેર કરતા લખ્યુ હતુ કે, “આજે ડુંગરપુરની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન, સ્થાનિક રહેવાસીઓનો અપાર પ્રેમ મળ્યો, સામાન્ય લોકો અને કોંગ્રેસીઓ સાથે મળી. ખારાગડા ગામ સ્થિત ક્ષેત્રપાલ ભૈરવ જી મંદિર અને ગલીકોટ સ્થિત પ્રાચીન શીતલા મંદિર અને ગલીકોટ દરગાહમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાથના કરી છે. ગલીયાકોટમાં સ્થિત વિશ્વ પ્રખ્યાત પીર ફખરૂદ્દીનની દરગાહ પર પ્રાર્થના કરીને રાજ્યની સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી છે.”



તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, રાજસ્થાન કોંગ્રેસ યુવા શક્તિ દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર તારીખ 28 જાન્યુઆરી 2019ના અશોક ગહેલોતના ડુંગરપુરના પ્રવાસની માહિતી આપી હતી અને અમુક ફોટો પણ શેર કરવામાં આવી હતી.
તેમજ આ માહિતી અશોક ગહેલોતની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ જાન્યુઆરી 2019નો છે. હાલમાં તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા હાલમાં મસ્જિદની મુલાકાત લેવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
