
Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે વકીલો ના કાળા કોટ કઢાવવાની ગુસ્તાખી… અને જયારે દંડાવાળી કરવી હોય ત્યારે કાળા કોટ ને શોધી શોધીને ઢોર માર …આ છે ગુજરાત ની લોકશાહી ..ચાલો લાઠીચાર્જ ખાઈ ને સાહેબના વખાણ કરીએ…સત્ય છોડી ને ગુલામી ના ખોળે બેસી જનારા ને સતાપક્ષ તરફથી જાકારો.. જાએ તો જાએ કહાં.. છતા ચાપલૂસી કરનારાઓને સમાધાન માટે બોલાવશે અને પછી નારો લગાવશે.. “વકીલ એકતા ઝિંદાબાદ”.. હું આ પોલીસ ની વકિલો પર ની બર્બરતા ને સખત શબ્દોમાં વખોડી કાઢુ છું…. તમે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વડોદરામાં પોલીસે વકીલો પર બેફામ લાઠીચાર્જ કરી બર્બરતા આચરી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 140 લોકોએ લાઈક કરી હતી, 37 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook | Archive | Photo Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામોની ઝીણવટપૂર્વક તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, પોસ્ટમાં જે ફોટો સાથે દાવો કરવામાં આવ્યો છે તે ફોટો વડોદરાનો નહીં પરંતુ 24 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાં નગરપાલિકાના કર્મચારીઓ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યાંનો છે. પશ્ચિમ બંગાળમાં બનેલી આ ઘટનાની ઘણી બધી માહિતી અમને અન્ય મીડિયાના માધ્યમો દ્વારા પ્રાપ્ત થઈ જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરના પરિણામોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વકીલો પર લાઠીચાર્જનો બનાવ ગુજરાતના વડોદરામાં નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હાવડામાં બન્યો હતો. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં હાવડામાં પોલીસ દ્વારા વકીલો પર કરાયેલા લાઠીચાર્જનો એક વીડિયો પ્રાપ્ત થયો જે આપ નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારી અને શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો છે કે કેમ? એ અંગેની જાણકારી મેળવવાની કોશિશ કરી અને જો આ રીતે કોઈ બનાવ બન્યો હોય તો ગુજરાતના કોઈ ને કોઈ મીડિયા દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યો જ હોય માટે અમે ગુગલનો સહારો લીધો અને વડોદરામાં વકીલો પર લાઠીચાર્જ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં તાજેતરમાં વડોદરામાં પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ કરાયા હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. વધુ તપાસમાં અમને વીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા જેમાં વડોદરામાં પોતાની પ્રાથમિક માંગોને લીધે વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વડોદરાના બાર કાઉન્સિલના પ્રમુખ હસમુખ ભટ્ટ જોડે આ અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “તાજેતરમાં પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ કરાયાની કોઈ જ ઘટના બની નથી.”
આ તમામ સંશોધન બાદ અમે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોડે આ ઘટના અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “થોડા સમય પહેલાં વકીલો પોતાની પ્રાથમિક માંગોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા પરંતુ તેમના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયાની વાત સાવ ખોટી છે. વકીલો દ્વારા હડતાળ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોર્ટની કામગીરી પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે.”

આમ ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે જેના તમે સાચા અને ખોટા સમાચાર વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, વડોદરા પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો એ વાત તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
