શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર શર્માને ગિરફ્તાર કરવામાં આવ્યો. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા સ્વસ્થ લોકોને પણ કોરોનાના દર્દી ગણાવીને અત્યાર સુધી 125 લોકોની કિડની નીકાળી દેવામાં આવતાં તેને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.13-18_24_44.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા સ્વસ્થ લોકોને પણ કોરોનાના દર્દી ગણાવીને અત્યાર સુધી 125 લોકોની કિડની નીકાળી દેવામાં આવતાં તેને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને iamgujarat.com દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ડૉક્ટર જેવા વ્યવસાયમાં રહીને નિર્દયતાથી હત્યા કરનાર દેવેન્દ્ર શર્મા વિશે વધુ ચોંકાવનારી માહિતી મળી છે. સીરીયલ કિલર ડો.દેવેન્દ્ર શર્માએ અગાઉ કબૂલાત કરી હતી કે 50 લોકોની હત્યા બાદ તે મર્ડરની ગણતરી કરવાનું ભૂલી ગયો હતો. પરંતુ હવે તેણે સ્વીકાર્યું છે કે તેણે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોની હત્યા કરી છે, જેમાંથી મોટાભાગના લોકોના મૃતદેહ યુપીમાં આવેલી કેનાલમાં મગરોને ખવડાવ્યા હતા.

દેવેન્દ્ર શર્મા નામનો ડૉક્ટર તાજેતરમાં જ દિલ્હીથી પકડાયો છે. તે કિડનીના કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને હવે પેરોલ પર બહાર ગયો હતો. 20 દિવસ પછી તેણે ફરીથી જેલ મોકલવાનો હતો પરંતુ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, હવે પકડાયા પછી તેના ગંભીર ગુનાઓ એક-એક કરીને સામે આવી રહ્યા છે.

screenshot-www.iamgujarat.com-2020.08.13-22_01_55.png

Archive

આજ માહિતી સાથેના અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bhaskar.com | gujarati.abplive.com 

ઉપરોક્ત સંપૂર્ણ સમાચારોમાં અમને ક્યાંય પણ આ ઘટનાનો કોરોના વાયરસના દર્દીઓ સાથે સંબંધ એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાકેશ પાવરિયાનો સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ થઈ રહેલા ડો.દેવેન્દ્ર શર્મા અંગે કોરોના વિશેના દાવામાં કોઈ સત્ય નથી. તે લાંબા સમયથી જેલમાં હતો અને કોરોના સમયગાળામાં તેઓએ કંઇ જ કર્યું નથી.”

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા ભૂતકાળમાં લોકોની કિડની નીકાળીને તેમના મૃતદેહો મગરોને ખવડાવી દેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પેરોલ પર છૂટ્યા બાદ તેની ફરીથી પોલીસ દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ડો. દેવેન્દ્ર શર્મા દ્વારા કરવામાં આવેલા પરાધોને કોરોના મહામારી સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા ભૂતકાળમાં લોકોની કિડની નીકાળીને તેમના મૃતદેહો મગરોને ખવડાવી દેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પેરોલ પર છૂટ્યા બાદ તેની ફરીથી પોલીસ દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ડો. દેવેન્દ્ર શર્મા દ્વારા કરવામાં આવેલા પરાધોને કોરોના મહામારી સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False