
Shehzad Patel નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Maharashtra Shiv sena first step… Police were seen handing over Tasbeeh and said Jumma Mubarak to all Muslims who came to attend Friday prayers.. મહારાષ્ટ્રમા શિવશેના ગંઠબંધનનુ પહેલુ કાયઁ જયાં પોલીસ સાહેબો શુક્રવારના દિવસે મુસ્લિમ ભાઇઅોને જુમ્માના દિવસની મુબારકબાદી આપતા નજરે જોઇ શકો છો. આવું ગંઠબંધન દેશના દરેક રાજયમા આવકાયઁ છે… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો મહારાષ્ટ્રમાં શિવસેનાની ગઠબંધન સાથેની સરકાર બન્યા પછીનું સૌપ્રથમ કાર્ય છે. જ્યાં જુમ્માની નમાજ પછી મુસ્લિમ ભાઈઓને પોલીસ દ્વારા તાવીજનું વિતરણ કરી મુબારકબાદી આપવામાં આવી. આ પોસ્ટને 67 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પ્રકારે મહારાષ્ટ્રમાં શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બન્યા પછી જુમ્માની નમાજ બાદ પોલીસકર્મીઓ દ્વારા મુસ્લિમ ભાઈઓને તાવીજનું વિતરણ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા સોપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ આયોજન મુંબઈના મુંબરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તેથી અમે સીધા જ મુંબરા પોલીસ સ્ટેશનના DCP S.S.Burse નો સંપર્ક કરી આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ આ વીડિયો જોઈને અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો એક કોમી એકતા માટે કરવામાં આવેલા પ્રયાસનો છે. જેમાં એક પ્રકારની સામુદાયિક સેવા કરવામાં આવી રહી છે. આ વીડિયોને કોઈ પણ પ્રકારના રાજકારણ સાથે કોઈ જ સંબંધ નથી.”
આ અંગે વધુ જાણકારી માટે અમને મુંબરાના Sr.PI.Madhukar Kad સાથે સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું. Sr.PI.Madhukar Kad સાથે સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું કે, “આ વીડિયો કોમી એકતા સપ્તાહના કાર્યક્રમનો છે. 2017 થી આ દર વર્ષે મનાવવામાં આવે છે. જ્યાં પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર સાંપ્રદાયિક ભાવના કેળવવા માટે સામુદાયિક સેવા કરવામાં આવે છે. આ વીડિયો 29 નવેમ્બર, 2019 ના રોજ કૌસા મસ્જિદના બહારનો છે. જ્યાં વીડિયોમાં દેખાતા પોલીસ અધિકારી કોમી એકતા અને સાંપ્રદાયિક ભાવના કેળવવા માટે પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ પ્રમાણે તાવીજ વિતરણ કરી રહ્યા છે. આ પહેલા 22 નવેમ્બરે પણ અમારા દ્વારા એજ મસ્જિદની બહાર ગુલાબનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને મહારાષ્ટ્રની વર્તમાન સરકાર કે તેમના શપથગ્રહણ સાથે કોઈ જ સંબંધ નથી.”
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મુંબરા પોલીસ સ્ટેશનના પીઆઈ રામચંદ્ર સાથે પણ આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયોને કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ જ સંબંધ નથી. આ એક ‘કોમી એકતા સપ્તાહ’ દરમિયાન કોમી એકતા માટે યોજાયેલા કાર્યક્રમનો એક ભાગ છે.”
ત્યાર બાદ અમે ગુગલ પર ‘qaumi ekta week’ કીવર્ડથી સર્ચ કરતાં અમને PIB દ્વારા 17 નવેમ્બર, 2017 ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી એક અધિસૂચના પ્રાપ્ત થી હતી. જે મુજબ 19 નવેમ્બર, 2017 થી 25 નવેમ્બર, 2017 સુધી ‘કોમી એકતા સપ્તાહ’ મનાવવામાં આવશે. જેમાં સાંપ્રદાયિક એકતા માટે સામાજિક સેવાઓ કરવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત અમને 2019 ના કેમી એકતા સપ્તાહ કાર્યક્રમની વિસ્તૃત માહિતી પણ પ્રાપ્ત થઈ જેમાં સંપૂર્ણ સપ્તાહના કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
Indiacelebrating Post | Archive
આ અફવા પર સૌથી પહેલા ‘The Quint’ દ્વારા 1 ડિસેમ્બર, 2019 ના રોજ ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું.
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો પોલીસ દ્વારા કરવામાં આવેલા સામાજીક સેવા કાર્યોનો છે જેને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો શિવસેનાની ગઠબંધનવાળી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રથમ કાર્યનો નથી. આ વીડિયોને કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બન્યા બાદના તેમના પ્રથમ કાર્યનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
