
આશિષ બી પઢિયાર નામના ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોઈને યાદ છે.. “2012માં કોંગ્રેસ “ઘરનું ઘર”ના ફૉર્મ ની લૉલીપોપ 100 રૂપિયા લઈને આપતી હતી. 100 રુપિયા ગરીબ લોકો પાસેથી લઇને પાછા આપ્યાં નથી ને 72000ની ચિંગમ આપવાં નીકળી છે.” શિર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટ પર 302 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 63 લોકો દ્વારા પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, જયારે 1100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્ષ 2012માં કોંગ્રેસ દ્વારા “ઘરનું ઘર”ના ફોર્મના 100 રૂપિયા લોકો પાસેથી લીધા હતા.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમારી પડતાલ દરમિયાન અમને વર્ષ 2012 ના તે સમયના ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાળીયાની 22 ઓગસ્ટ 2012ની એક પોસ્ટ મળી હતી. જેમાં કોગ્રેસ દ્વારા 15 લાખ ઘર બાંઘવાની વાત તો કરી હતી પરંતુ તેના ફોર્મ લેવા માટે 100 રૂપિયા આપવા પડશે તેવુ કયાંય પણ દર્શાવવામાં આવ્યું ન હતું.

ત્યાર બાદ અમે અમારી પડતાલ કાર્યવાહીને આગળ વધારી હતી અને ખરેખર કોંગ્રેસ દ્વારા ફોર્મ વિતરણના 100 રૂપિયા વસુલ્યા હતા..? દરમિયાન અમને તે સમયે જૂદા-જૂદા સમાચારપત્રો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા પેપરના કટિંગ મળ્યા હતા, પરંતુ તેમાં પણ ક્યાંય ફોર્મ વિતરણના કોંગ્રેસ પક્ષ દ્વારા 100 રૂપિયા વસુલવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ ન હતો..



બાદમાં આ અંગે અમે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી સાથે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે પૂછતા તેમણે અમને જણાવ્યું હતું કે, “ગુજરાત કોંગ્રેસ દ્વારા તે સમયે પોતાના મેનિફેસ્ટોમાં આ વાત કરી હતી, અને લાખો લોકોએ તે સમયે આ યોજના માટે ફોર્મ પણ ભર્યા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસેથી અમે એક પણ રુપિયો લીધો ન હતો, આ વાત માત્ર ઉપજાવેલી કાઢેલી છે. ચૂંટણી સમયે વિરોધ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં આ પ્રકારના ખોટા મેસેજ વાઈરલ કરવામાં આવતા હોય છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, કોંગ્રેસ દ્વારા ઘરના ઘરની વાત તો કરવામાં આવી હતી. પરંતુ ક્યાંય પણ ફોર્મ વિતરણના 100 રૂપિયા લેવામાં આવ્યા ન હતા, જે વાતની પુષ્ટી તેમના પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર કોંગ્રેસ દ્વારા “ઘર નું ઘર” ફોર્મના મહિલાઓ પાસેથી રૂપિયા લીધા હતા.?
Fact Check By: Frany KariaResult: False
