
Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “RSSના પ્રચારક અને UP ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના UPના CMની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન BJP અને RSSને મુસ્લિમ જીજાજી જ ગમેં” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના લગ્ન યુપીના CM યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ યુવક સાથે થયા.“
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “UP के भाजपा के महामंत्री की भतीजी शादी“ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, રામલાલની ભત્રીજી શ્રેયા ગુપ્તાના લગ્ન ગત ફેબ્રુઆરીમાં ફૈજાન કરીમ સાથે થયા હતા. જે પછી ભાજપા અને આરઆરએસને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવ્યુ હતુ. JANSATTA નો 21 ફેબ્રુઆરી 2019નો અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, રામલાલની ભત્રીજીના લગ્ન લખનઉંની ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા અને તે લગ્ન પ્રસંગમાં રાજ્યપાલ રામ નાઈક, કેન્દ્રિય અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, ડો.દિનેશ શર્મા, નગર વિકાસ મંત્રી સુરેશ ખન્ના, ઉડ્ડયન મંત્રી નન્દી સહિત ઘણા મંત્રી અને પાર્ટીથી જોડાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ ક્યાંય પણ યોગી આદિત્યનાથનું નામ હતુ. ધ પ્રિન્ટ દ્વારા પ્રકાશિત અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
રામલાલની ભત્રીજીના લગ્ન તારીખ 17 ફેબ્રુઆરી 2019ના થયા હતા. તે દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દિન ચર્યા વિશે અમે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને તેમની ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણવા મળ્યુ હતુ કે, તે દિવસે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની તૈયારીમાં તેમજ શહિદ પરિવારને મળવા ગયા હતા. પરંતુ રામલાલની ભત્રીજીના લગ્નમાં હાજરી આપી હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ.
તેમજ રામલાલને ગત 13 જૂલાઈ 2019ના તેમના મહામંત્રીના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ભાજપાના મહામંત્રી નથી. ANI દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે યુપી ભાજપાના પ્રવક્તા ડો.મનોજ મિશ્રા થકી રામલાલનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યું હતુ કે, યોગી આદિત્યનાથ તેમની ભત્રીજીના લગ્નમાં ન હતા આવ્યા, જો કે, તેમને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હોવાનું રામલાલે જણાવ્યુ હતુ.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ભાજપાના મહામંત્રી રામલાલની ભત્રીજીના લગ્નમાં સીએમ યોગી આદિત્યનાથ ન હતા ગયા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, એ વાત તો સાચી છે કે, રામલાલની ભત્રીજીના લગ્ન મુસ્લિમ યુવક સાથે થયા પરંતુ યુપીના મુખ્યમંત્રીની હાજરીમાં થયા તે વાત તદ્દન ખોટી છે. તેમજ આજ થી એક વર્ષ પહેલા આ લગ્ન થયા હતા અને હાલમાં રામલાલ ભાજપાના મહામંત્રી પણ નથી.

Title:શું ખરેખર રામલાલની ભત્રીજીના લગ્ન CM યોગી આદિત્યનાથની હાજરી થયા હતા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
