
राहुल जरीवाला નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. જ્યાં કોરોના વાયરસને કારણે મોટી સંખ્યામાં બકરીઓ બીમાર થઈ ગઈ છે. આ પોસ્ટને 2 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 82 લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અજમેરનો છે અને જ્યાં કોરોના વાયરસને લીધે બકરીઓ બીમાર થઈ છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને Aftab Nawab દ્વારા 11 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
હવે એપણ જાણવું જરૂરી હતું કે, ભારતમાં સૌપ્રથમ કોરોના વાયરસનો કેસ ક્યારે બન્યો હતો? જેના માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને bbc.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતમાં કેરળ રાજ્યમાં એક વિદ્યાર્થીની કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. એટલે કે ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ 30 જાન્યુઆરી, 2020 ના રોજ નોંધાયો હતો.

અમારી વધુ તપાસમાં અમને PIB India દ્વારા પણ કેરળમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ મળ્યો હોવાની પુષ્ટી તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 30 જાન્યુઆરી, 2020 ના રોજ કરવામાં આવી હતી.
વધુમાં અમને patrika.com દ્વારા પણ અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં ફેલાયેલા વાયરસના વીડિયોને ખોટો સાબિત કરતા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રાજસ્થાનના પબ્લિક હેલ્થ – ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ડિરેક્ટર અને કમિશનર ડૉ.કે.કે. શર્મા સાથે આ વીડિયો અંગે વાત કરતાં “તેઓએ પણ આ વીડિયો ખોટો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે બકરીઓમાં કોરોના વાયરસની માહિતીને પણ નકારી કાઢી હતી.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતમાં કોરોના વાયરસ આવ્યો એ પહેલાંનો છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. હાલમાં આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વીડિયો ભારતમાં કોરોના વાયરસ આવ્યો એ પહેલાંનો છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
