તાજેતરમાં સોશિયલ મીડિયા પર IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રિલીઝ થયેલી IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝમાં નિર્માતા દ્વારા આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ છુપાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝની જે માહિતી આપવામાં આવી છે તેમાં વાસ્તવમાં શંકર અને ભોલા એ હાઇજેકર્સના કોડ નેમ હતા જેનો ઉપયોગ વિમાન હાઇજેક દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સિરીઝના નિર્માતાઓએ આ જ હકીકતને રજૂ કરી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 03 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સરકાર ભલે રાઈટવીંગ ની હોઈ.. પણ સિસ્ટમ આજ પણ વામપંથી અને મુલ્લાં ઓની છે.. કંધાર વિમાન હાઇજેક કરવાવાળા ના નામ આ પ્રમાણે હતાં - ઇબ્રાહિમ અખ્તર - શાહિદ અખ્તર - સન્ની અહમદ –જહુર -શાકીર પણ અનુભવ સિન્હા એ Netflix પર વેબ્ સીરીઝ બનાવી છે IC 814 એમાં આતંકવાદી હાઈજેકર ના નામ - ભોલા. અને શંકર બતાવવામાં આવિયા છે આ હિંદુ ઓને બદનામ કરવાનું એક કાવતરું છે આ વેબ સીરીઝ ઉપર બેન લગાવો જોઈએ.. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રિલીઝ થયેલી IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝમાં નિર્માતા દ્વારા આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ છુપાવવામાં આવી છે.



Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમને 6 જાન્યુઆરી, 2000 ના રોજ અપહરણ અંગે તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) (Archive) દ્વારા આપવામાં આવેલ નિવેદન પ્રાપ્ત થયું હતું. જેમાં અપહરણકર્તાઓની ઓળખ આ રીતે કરવામાં આવી હતી: ઈબ્રાહિમ અથર, બહાવલપુર; શાહિદ અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, કરાચી; સન્ની અહેમદ કાઝી, ડિફેન્સ એરિયા, કરાચી; મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહીમ, અખ્તર કોલોની, કરાચી; અને શાકિર, સુક્કુર શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં એવી માહિતી પણ ઉપલબ્ધ છે કે, આ હાઈજેક આઈએસઆઈનું ઓપરેશન હતું, જે આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારની મદદથી કરવામાં આવ્યું હતું, જેમાં પાંચેય હાઈજેકરો પાકિસ્તાની હતા. આ નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, "હાઇજેક કરાયેલા સ્થાન પરના મુસાફરો માટે, આ હાઇજેકર્સ અનુક્રમે (1) ચીફ, (2) ડૉક્ટર, (3) બર્ગર, (4) ભોલા અને (5) શંકર તરીકે ઓળખાતા હતા. અપહરણકર્તાઓ હંમેશા આજ નામોથી એકબીજાને સંબોધતા હતા.



ત્યાર બાદ અમને 2 જાન્યુઆરી, 2000 ના રોજ લોસ એન્જલસ ટાઇમ્સ (Archive) દ્વારા પ્રકાશિત અહેવાલમાંથી માહિતી મળી કે, ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 814 ના પાંચ હાઇજેકર્સના કોડ નેમ ચીફ, ભોલા, શંકર, ડોક્ટર અને બર્ગર હતા.


વધુ તપાસમાં અમને 31 ઓગસ્ટ, 2024 ના રોજ પત્રકાર અને 173 અવર્સ ઇન કેપ્ટીવિટી: ધ હાઇજેકિંગ ઓફ IC 814 ના લેખક નિલેશ મિશ્રાની તેમના X એકાઉન્ટ (Archive) પર એક પોસ્ટ મળી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ અપહરણકર્તાઓએ (શંકર, ભોલા, બર્ગર, ડોક્ટર અને ચીફ) જેવા ખોટા નામ આપ્યા હતા. હાઇજેક દરમિયાન તેઓ એકબીજાને આ નામથી સંબોધતા હતા અને મુસાફરો પણ તેમને આ જ નામથી સંબોધતા હતા.


અંતમાં અમને કેટલાક મીડિયા રિપોર્ટ્સ મળ્યા. જેમને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે, સિરીઝ પરના વિવાદ પછી, સિરીઝના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સ્પષ્ટતા કરી હતી કે, આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન એકબીજાને સંબોધવા માટે "ઉપનામ અથવા નકલી નામ" નો ઉપયોગ કર્યો હતો. આ સંબંધિત અન્ય અહેવાલો તમે અહીં, અહીં અને અહીં જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝની જે માહિતી આપવામાં આવી છે તેમાં વાસ્તવમાં શંકર અને ભોલા એ હાઇજેકર્સના કોડ નેમ હતા જેનો ઉપયોગ વિમાન હાઇજેક દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સિરીઝના નિર્માતાઓએ આ જ હકીકતને રજૂ કરી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)