
ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મિડિયા સમક્ષનું 11 સેકન્ડનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. આ વિડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મિડિયા સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપી છે અને સાથે જ તેમના નિવેદનને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો કહેવામાં આવી રહ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, છત્તીસગઢની મુલાકાત દરમિયાન રાકેશ ટિકૈતના નિવેદનના મૂળ વિડિયોના ભાગને કાપીને ખોટી રીતે સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે. મૂળ વિડિયોમાં રાકેશ ટિકૈત મિડિયા સંસ્થાઓને ધમકી આપી રહ્યા નથી, પરંતુ કહી રહ્યા હતા કે કેન્દ્ર સરકારનું આગામી લક્ષ્ય મીડિયા હાઉસ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મિડિયા સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામથી અમને ન્યૂઝ એજન્સી ANI દ્વારા 28 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રસારિત 43 સેકન્ડનો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ભારતીય કિસાન યુનિયનના નેતાએ રાયપુરની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.”
જેમાં રાકેશ ટિકૈત જણાવી રહ્યા છે કે, “મુખ્યતો દિલ્હી સરકાર છે જેણે કાયદો બનાવીને અડધો દેશ વેચી દીધો છે. તે તરફ પણ ધ્યાન આપો. મધ્યપ્રદેશમાં મંડિયા વેચી દેવામાં આવી.. 182 મંડી વેચી દેવામાં આવી. છત્તીસગઢ પણ અછુતું રહેશે નહીં. હવે એવું છે કે બધાએ સાથે આવવું જોઈએ. આગળ ટાર્ગેટ મિડિયા હાઉસ છે. જો તમારે બચવું હોય તો મારો સાથ આપો, નહીંતર તમે પણ ચાલ્યા ગયા છો.”
વિડિયોમાં રાકેશ ટિકૈતે કહ્યું હતું તે આખુ વાક્ય સાંભળ્યા પછી, અમે સમજીએ છીએ કે વાયરલ થઈ રહેલો વિડિયો મૂળ વિડિયોમાંથી કાપીને સંદર્ભ બહાર ફેલાવવામાં આવી રહ્યો છે. મૂળ વિડિયોમાં, તેઓ મિડિયા સંસ્થાઓને ધમકી આપી રહ્યા નથી, પરંતુ તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરી રહ્યા છે, એમ કહીને કે તેમનું આગામી લક્ષ્ય મિડિયા સંસ્થાઓ છે અને કહે છે કે આ સમયે બધાએ એક થવું જોઈએ.
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં કિસાન મહાપંચાયતને સંબોધ્યા બાદ રાકેશ ટિકૈતે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને અનેક મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. અહેવાલો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે, “ટિકૈતે ખેડૂતોના આંદોલન માટે તમામ વર્ગના લોકો પાસેથી સમર્થન માંગ્યું હતું અને કહ્યું હતું કે સરકારનું આગામી લક્ષ્ય મિડિયા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, છત્તીસગઢની મુલાકાત દરમિયાન રાકેશ ટિકૈતના નિવેદનના મૂળ વિડિયોના ભાગને કાપીને ખોટી રીતે સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે. મૂળ વિડિયોમાં રાકેશ ટિકૈત મિડિયા સંસ્થાઓને ધમકી આપી રહ્યા નથી, પરંતુ કહી રહ્યા હતા કે કેન્દ્ર સરકારનું આગામી લક્ષ્ય મીડિયા હાઉસ છે.

Title:રાકેશ ટિકૈતના મુળ વિડિયોના એક ભાગને ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો..
Fact Check By: Yogesh KariaResult: False
