
CN24NEWS નામના ફેસબુક પેજ દ્વારા 15 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શતુઆત થઈ ચૂકી છે….. ઓસ્ટ્રેલિયા ની સુપર માર્કેટ માં એક ચીની ગ્રાહક ને રીતસર મોલ ની બહાર કાઢ્યો….. આપડા ભારત ના તમામ વેપારી ઓ એ હવે ચીન પાસે થી વસ્તુ ખરીદવાની બંધ કરવી જોઈએ… ભારત સરકાર ને બધી જીવન જરૂરિયતા વસ્તુ નો ખુલાસો કરવો જોઈએ કે આ ચીજવસ્તુ ક્યાં દેશ માંથી આયાત થાય છે.. બહાર થી આયાત થતી દરેક વસ્તુ ઉપર ક્યાં દેશ નું મેન્યુફેક્ચર છે તે અથવા તે દેશ ની સિમ્બોલ ફરજીયાત હોવો જોઈએ.. જેમ કે ચીન માંથી આવતી વસ્તુ ઉપર ડાયનોસર નો સિમ્બોલ જેવું કંઈક રાખી શકાય….આવું કંઈક પણ કરી શકાય.. જેમ વેજ અને નોનવેજ ને આપડે લાલ અને લીલા કલર થી ઓળખીએ છીએ…. દેશ ના તમામ નાગરિક ને ચીન ની વસ્તુ જે પણ આયાત થતી હોય તેનો બહિષ્કાર કરવો જોઈએ…. સૌથી મોટો દુષમન દેશ આપડો ચીન જ છે….તે બીજો નાનો દેશ જેની આપડે ગણતરી મા પણ નથી લેતા તેને આપડા વિરુદ્ધ સ્પોટ કરે છે…. ઉપર ની બાબતો ધ્યાન માં જો લઈએ …..તો આપડે ખાલી એટલું જ કરવાનું છે ચીન જેવા મહાકાય ઝાડવા ના મૂળ મા જ એસિડ નાખવાનું છે .તો નાના એવા દેશ જે આપડા વિરુદ્ધ છે તે પાંદડા ની જેમ આપોઆપ સુકાઈ ને પડી જશે…. સમજાય તેને વંદન…..🙏🙏🙏🙏 #CN24NEWS #Carona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીન દ્વારા ફેલાયેલા કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાના એક સુપર માર્કેટ મોલમાંથી ચીની ગ્રાહકને બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. મોલમાં ચીની ગ્રાહકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટને 48 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 78 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઓસ્ટ્રેલિયાના મોલમાં ચીની ગ્રાહકને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને soundhealthandlastingwealth.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના એક બિગ ડબલ્યૂ સ્ટોરમાં બની હતી. વાયરલ વીડિયોને શૂટ કરનાર પ્રત્યક્ષદર્શીઓના મતાનુસાર બિગ ડબલ્યૂ સ્ટોરમાં એક દંપતિએ બેબી ફોર્મૂલાના ચાર ડબ્બા લીધા હતા. જ્યારે તેઓ તેને કાઉન્ટર પર લઈ ગયા ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ એનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ બંને પક્ષોમાં તનાવ ઉભો થયો હતો. જેના કારણે સુપર માર્કેટના અધિકારીઓ દ્વારા એક્શન લઈને આ દંપતિને બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

આ સમગ્ર ઘટનાની માહિતી એવી હતી કે, મેલબોર્નના બિગ ડબલ્યૂના લિલિડેલ સ્થિત સુપર માર્કેટમાં આ ઘટના બની હતી. જ્યાં એક દંપતિને બેથી વધુ ફોર્મૂલા મિલ્ક ખરીદતા પકડી લેવામાં આવ્યું હતું. બિગ ડબલ્યૂ સ્ટોરમાં દરેક માલ ખરીદવાની એક લિમિટ છે. જેના કારણે એક વ્યક્તિ ફક્ત બેજ ફોર્મૂલા મિલ્ક ખરીદી શકે છે. આ દંપતિ દ્વારા સુપર માર્કેટમાં બેથી વધુ ફોર્મૂલા મિલ્ક ખરીદવામાં આવતાં ત્યાં બબાલ ઉભી થઈ હતી અને આખરે સ્ટોરના અધિકારીઓ દ્વારા દંપતિને બહાર કાઢી મૂકવામાં આવ્યું હતું.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. internewscast.com | news.com.au
વધુમાં અમને ઉપરોક્ત સમાચારમાં આપવામાં આવેલી માહિતી સાથેનો એક વીડિયો ViralHog નામની યુટ્યુબ ચેનલ પર 11 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઓસ્ટ્રેલિયાના મોલમાંથી ચીની લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઓસ્ટ્રેલિયાના મોલમાંથી ચીની લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા એ માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાના મોલમાંથી ચીની લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા…?
Fact Check By: Vikas VyasResult: False
