શું ખરેખર વીડિયોમાં જોવા મળતી પોલીસ રાજસ્થાન પોલીસ છે...? જાણો શું છે સત્ય....
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં ભીલવાડા પોલીસની કાર્યવાહની નહીં પરંતુ વર્ષ 2022નો યુપી પોલીસની કાર્યવાહીનો છે. હાલની ભીલવાડાની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
રાજસ્થાનના ભીલવાડામાં ગત 25 ઓગસ્ટના એક ધાર્મિક સ્થળે ગાયની કાપેલી પૂંછડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી હતી. આ ઘટના બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને ચાર લોકોની અટકાયત કરી હતી. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “ભીલવાડા પોલીસ ગાયની પૂંછડી કાપનાર વ્યક્તિઓને જોરદાર માર માર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભીલવાડા પોલીસ ગાયની પૂંછડી કાપનાર વ્યક્તિઓને જોરદાર માર માર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 11 જૂન 2022ના આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સહારનપુરમાં હિંસા ફેલાવનારા આરોપીઓની પોલીસ સતત ધરપકડ કરી રહી છે, આ દરમિયાન પથ્થરમારો કરનારાઓ સામે પોલીસની કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સહારનપુર નગર કોતવાલીનો હોવાનું કહેવાય છે, જ્યાં ગઈકાલના વિરોધ બાદ અટકાયત કરાયેલા આરોપીઓ પર પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો હતો. જો કે, પોલીસ અધિકારીઓ આવા કોઈ વીડિયોની જાણકારી હોવાનો ઈન્કાર કરી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે.”
વધુ સર્ચ કરતા અમને બીબીસી પર પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સહારનપુરમાં પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકોની તેમના પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી છે.”
તેમજ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા પણ આ વીડિયોને શેર કરીને યુપી પોલીસની કાર્યવાહી સામે સવાલ કર્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ તપાસ કરતા અમને ભીલવાડાના પોલીસ અધિક્ષક રાજન દુષ્યંતનું નિવેદન પ્રાપ્ત થયું. જેમાં તેઓ ઘટનાની માહિતી આપવાની સાથે આરોપીઓ વિશે પણ માહિતી આપતા જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં ભીલવાડા પોલીસની કાર્યવાહની નહીં પરંતુ વર્ષ 2022નો યુપી પોલીસની કાર્યવાહીનો છે. હાલની ભીલવાડાની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
Bhilwara Police Twitter
https://x.com/Bhilwara_Police/status/1828803939132666246
Akhilesh Yadav Twitter
https://x.com/yadavakhilesh/status/1535656161563000832
BBC Article
https://www.bbc.com/hindi/india-61834742
AajTak You Tube Channel
https://youtu.be/PkS0XATrgbM