
મુંબઈમાં શિવસેના દ્વારા નમાજ માટે રસ્તો બંધ હોવાથી પોલીસ સાથે ઝઘડો કરતી વખતે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા હોવાના દાવા સાથે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા માટે પોલીસ સાથે દલીલ કરી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ધારાસભ્ય યોગેશ સાગરનો પોલીસ સાથે દલીલ કરવાનો વિડિયો ખોટા સાંપ્રદાયિક દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. કાંદિવલીમાં નમાજ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો ન હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાતી પરાજીયા ટેલન્ટ ગ્રુપ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા માટે પોલીસ સાથે દલીલ કરી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 16મી ફેબ્રુઆરી 2022ના રોજ ‘ટીવી-9 મરાઠી‘ના સમાચાર મળ્યા. ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટીના ઘરની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ. આ સમયે મુંબઈ પોલીસે રસ્તા પર બેરિકેડ લગાવી દીધા હતા. પરિણામે કાંદિવલી વિસ્તારમાં ટ્રાફિક જામને લઈને નારાજ ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરની પોલીસ સાથે મારામારી થઈ હતી.
ઝી-24 અવર્સ અને એબીપી માઝાએ પણ આ અંગે અહેવાલ આપ્યો હતો. કોઈ પણ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું નથી કે માર્ગ પ્રાર્થના માટે બંધ હતો.
આ વાયરલ ક્લિપ મુંબઈ ભાજપના ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરવામાં આવી હતી. ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના ઘરની સામે, કોંગ્રેસ મુંબઈએ આંદોલન કરવા માટે પોલીસને દુર્વ્યવહાર કરતા મુંબઈકરોને પકડી રાખ્યા હતા. ચારકોપના ધારાસભ્ય યોગેશ સાગરે આની સામે અવાજ ઉઠાવ્યો અને લોકોને ન્યાય અપાવ્યો.
ભાજપે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો નથી કે નમાજ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
ફેક્ટ ક્રેસેન્ડોએ યોગેશ સાગરનો સંપર્ક કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “પોલીસે સાંસદ ગોપાલ શેટ્ટીના ઘરની સામે રોડ બ્લોક કરી દીધો હતો કારણ કે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. જેથી લોકોને મુશ્કેલી પડી રહી હતી. મેં પોલીસને ટ્રાફિક હળવો કરવા માટે બેરિકેડ હટાવવા વિનંતી કરી. આ સમયે થયેલી મૌખિક દલીલનો વિડિયો ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. નમાજ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો ન હતો.”
સાગરે તેના ફેસબુક પેજ પર વિડિયો પણ પોસ્ટ કરતા કહ્યું કે, “મેં સાંસદ ગોપાલ શેટ્ટીના ઘર પાસે કોંગ્રેસની રેલીના દિવસે નાગરિકોની સુવિધા માટે પોલીસ સમક્ષ કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા અને આ વિવાદનો વિડિયો છે.” કેટલાક લોકોએ આ વિડિયોને કેટલીક પાર્ટીઓ અને નમાજ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. હું આ બધા લોકોની નિંદા કરૂ છું જેઓ જૂઠ ફેલાવે છે અને અરાજકતા ફેલાવે છે!”
સાગરે સાયબર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
કાંદિવલી થાણેના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દિનકર જાધવે પણ ફેક્ટ ક્રેસેન્ડો જણાવ્યું હતું કે માર્ગ નમાજ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો ન હતો. રાજકીય પક્ષના કાર્યકરો વિરોધ કરવા જતા હોવાથી સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
આંદોલનનું કારણ શું?
દેશભરમાં કોરોના વાયરસ ફેલાવવા માટે કોંગ્રેસ જવાબદાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર કોંગ્રેસે કાર્યકરોએ મફત ટિકિટ આપીને સ્થળાંતર કરવા મજબૂર કર્યા હતા.
મહાવિકાસ અઘાડીના તમામ પક્ષોએ વડાપ્રધાનની ટીકાનો જવાબ આપ્યો હતો. જેના ભાગરૂપે મુંબઈ કોંગ્રેસે ભાજપના વિવિધ નેતાઓના ઘરની બહાર આંદોલન કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ 16 ફેબ્રુઆરીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ કાંદિવલીમાં ગોપાલ શેટ્ટીના ઘરની બહાર એકઠા થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ધારાસભ્ય યોગેશ સાગરનો પોલીસ સાથે દલીલ કરવાનો વિડિયો ખોટા સાંપ્રદાયિક દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. કાંદિવલીમાં નમાજ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો ન હતો.

Title:નમાજ માટે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવા માટે ભાજપના ધારાસભ્યએ લડાઈ ન કરી, જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
