બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ અને સુરત શહેરનો નથી... જાણો શું છે સત્ય....
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં બ્રિજ પર વાહનો સ્લિપ થતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ શહેરના બ્રિજનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈ કે સુરત શહેરનો નહિં પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા રશીદ મિન્હાસ રોડ પરનો છે. આ વિડિયોને ભારત સાથે કોઈ લેવા-દેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Satyanews નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ શહેરના બ્રિજનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
તેમજ ઘણા યુઝર દ્વારા આ વિડિયો સુરત શહેરનો હોવાનો પણ દાવો કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પાકિસ્તાની પત્રકાર ઝિયા ઉલ રહેમાન દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે ટ્વિટમાં આ વિડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “કરાચીમાં વરસાદ દરમિયાન અને પછી લપસણો રસ્તાઓને કારણે ખતરનાક મોટરસાયકલ અકસ્માતો વધી રહ્યા છે. આ મિલેનિયમ મોલના દ્રશ્યો છે. અલ્લાહ બધાને સારા અને સારા રાખે.”
તેમજ પાકિસ્તાની ટીવી ચેનલની વેબસાઈટ geo.tv દ્વારા પણ આ વિડિયોને પ્રસારિત કરીને માહિતી આપવામાં આવી હતી કે, “અણધાર્યા ધૂળ-વાવાઝોડાને પગલે કરાચીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, લપસણા રસ્તાઓને કારણે ઘણા મોટરસાયકલ સવારો પડી ગયા હતા અને સવારી કરતી વખતે ઘાયલ થયા હતા. મિલેનિયમ મોલ નજીક રશીદ મિન્હાસ રોડ પરના ફ્લાયઓવરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેમાં ઘણા મોટરસાઇકલ સવારો રેમ્પ પરથી નીચે આવતા એક પછી એક રોડ પર લપસી જતા જોવા મળ્યા હતા.”
તેમજ ગૂગલ પર સર્ચ કરતા અમને નીચેની ગૂગલ મેપ પર નીપા ફ્લાયઓવર રશીદ મિન્હાસ રોડ આવેલો છે. જે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
તેમજ ગૂગલ સ્ટ્રીટ વ્યુમાં પણ વિડિયોમાં જોવા મળતો બ્રિજ જોઈ શકાય છે. તમે સ્ટ્રીટ વ્યુ આ વેબસાઈટ પર જોઈ શકો છો.
પરિણામ
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈ કે સુરત શહેરનો નહિં પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા રશીદ મિન્હાસ રોડ પરનો છે. આ વિડિયોને ભારત સાથે કોઈ લેવા-દેવા નથી.
Title:બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ અને સુરત શહેરનો નથી... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False