
Organic Farming નામના ફેસબુક પેજ દ્વારા 9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આપણે ગૌ માતા, ગૌસેવા અને ગૌચર અને ગૌશાળા, ગાયનું દૂધ,ઘી, માખણની વાતો કરતા રહ્યા ને…. બોલો આ મેગી નૂડલ્સ ગૌમાંસ વાળું નૂડલ્સ જ ખવરાવી ને હિન્દુ ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે… 👎અંગ્રેજી માધ્યમમાં ભણેલા પણ.. કેટલા લોકો પેકેટ પર નું લખાણ વાંચી ને ખરીદો છો…. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં ગાયને માતા સમાન ગણવામાં આવે છે છતાં પણ ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગીનું વેચાણ થઈ રહ્યું છે. આ પોસ્ટને 13 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને ગૌમાંસના સ્વાદ આધારિત નૂડલ્સને શોધવાની કોશિશ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, મેગીની નૂડલ્સ બ્રાન્ડનું નેસ્લે કંપની દ્વારા વેચાણ કરવામાં આવે છે. ત્યાર બાદ અમે મેગી ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ maggi.in પર જઈને આ પ્રકારે કોઈ ગૌમાંસ ફ્લેવરની મેગી નૂડલ્સનું ભારતમાં વેચાણ થાય છે કે કેમ? એ જાણવાની કોશિસ કરી હતી. પરંતુ અમને આ વેબસાઈટ પર ક્યાંય પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમે મેગીની આંતરરાષ્ટ્રીય વેબસાઈટ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ગૌમાંસ ફ્લેવરની મેગીનું વેચાણ થતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા તેમજ ગૌમાંસના ફ્લેવરવાળી મેગીને લગતી વધુ જાણકારી માટે ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા ભારતમાં મેગી બ્રાન્ડના ઉત્પાદકોની નિર્માતા કંપની નેસ્લે ઈન્ડિયાનો સંપર્ક કરવામાં આવ્યો. તેઓએ અમને ટ્વિટર પર જવાબમાં એવી માહિતી આપી કે, “નેસ્લે ઈન્ડિયા દ્વારા નિર્મિત અને વેચાણ કરવામાં આવતા નૂડલ્સમાં ગૌમાંસ કે ગૌમાંસ ફ્લેવર સામેલ નથી.”
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૌમાંસ ફ્લેવરની મેગીનું વેચાણ ભારતમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૌમાંસ ફ્લેવરની મેગીનું વેચાણ ભારતમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવે છે એવું નેસ્લે ઈન્ડિયા કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગી વેચવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
