શું ખરેખર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોદી સરકાર વિરુદ્ધમાં નિવેદન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી મોદી સરકારના વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2011 નો છે. જેમાં નીતિન ગડકરી અન્ના હજારે અને તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ વિશે બોલી રહ્યા છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Garva Journalist નામના ફેસબુક યુઝર દ્વારા 10 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આદોલનજીવીઓના નામે આંદોલનકારીઓનું સંસદમાં સરેઆમ અપમાન કરનાર શ્રીમાન મોદીજીનો જ ચપાટો ગડકરી આંદોલનકારીઓ અને આંદોલન વિશે શું બોલે છે.સાંભળો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી મોદી સરકારના વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Bharatiya Janata Party ના સત્તાવાર યુટ્યુબ પર અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 16 ઓગષ્ટ, 2011 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ બાઇટ: અન્ના હજારે અને વડા પ્રધાન: 15.08.2011.

Archive

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, જ્યારે નીતિન ગડકરીએ ઉપરોક્ત નિવેદન આપ્યું ત્યારે સમગ્ર દેશમાં સામાજીક કાર્યકર્તા અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પણ ચાલી રહ્યું હતું. આ આંદોલનના સમર્થનમાં નીતિન ગડકરીએ તત્કાલિન કોંગ્રેસ સરકાર વિરુદ્ધમાં પ્રહાર કર્યા હતા અને એવું કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મનમોહનસિંહ શાના આધાર પર શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા આંદોલનનો વિરોધ કરી રહ્યા છે.

અમારી વધુ તપાસમાં અમને dnaindia.com દ્વારા 15 ઓગષ્ટ, 2011 ના રોજ પ્રાસરિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા અન્ના હજારેના ઉપવાસ પર શરતો લગાવ્યા બાદ નીતિન ગડકરીએ વડાપ્રધાન મનમોહનસિંહને તેમના વલણ પર આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું હતું. તેમજ આ બાબતને તેઓએ લોકશાહીની વિરુદ્ધ ગણાવી હતી.

image2.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2011 નો છે. જેમાં નીતિન ગડકરી અન્ના હજારે અને તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ વિશે બોલી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોદી સરકાર વિરુદ્ધમાં નિવેદન આપવામાં આવ્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: False