
તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં 2000 પથારીનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીના છત્તરપુર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં વર્ષ 2020 માં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hiten N. Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઇન્દોર રાધા સ્વામી સત્સંગ ક્ષેત્રમાં બનેલું 2000 પથારીનું કોવિડ સેન્ટર/હોસ્પિટલ એટલા માટે મંદિરના નામે વોટ આપેલ….#@%&. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં 2000 પથારીનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને indiatoday.in દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 27 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીના છત્તરપુર ખાતે 10000 બેડનું કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું તેનો આ ફોટો છે.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથે મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. timesnownews.com | deccanherald.com
હવે એ પણ જાણવું જરુરી હતું કે, ખરેખર ઈન્દોર ખાતે આ પ્રકારે કોઈ કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે કે કેમ? એટલા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને mp.punjabkesari.in દ્વારા 22 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ બ્યાસ દેશનું બીજા નંબરનું સૌથી મોટું કોવિડ સેન્ટર બન્યું. જ્યાં કોરોનાના દર્દીઓ રામાયણ અને IPL પણ જોઈ શકશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીના છત્તરપુર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં વર્ષ 2020 માં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે.

Title:શું ખરેખર આ ફોટો ઈન્દોર ખાતે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
