
મોદી ચાહક નામના ફેસબુક પેજ દ્વારા 9 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિસ્તાર સોનિયા ગાંધી ના મત વિસ્તાર રાયબરેલી નો છે જોવો સોનિયા ના ખાડા જેવો જ મોટા મોટા ખાડા છે રોડ ઉપર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો છે. આ પોસ્ટને 107 લોકોએ લાઈક કરી હતી. 15 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને timesofindia.indiatimes.com દ્વારા 29 જૂન, 2017 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બિહારના ભાગલપુર નેશનલ હાઈવે નંબર 80 નો આ ફોટો છે.

અમારી વધુ તપાસમાં અમને Tejashwi Yadav દ્વારા 2 જુલાઈ, 2017 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમણે શેખર ગુપ્તા નામના એક ટ્વિટર યુઝરને જવાબ આપવા માટે આ ટ્વિટ કરી હોવાનું જણાવ્યું હતું. ટ્વિટમાં તેઓએ બિહારના રસ્તાના જૂના ફોટો અને એજ રસ્તો બની ગયા પછીના ફોટો વચ્ચેનો તફાવત દર્શાવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને news.abplive.com દ્વારા 3 જુલાઈ, 2017 ના રોજ આજ રસ્તાની સચ્ચાઈ બતાવતો અને ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી સત્યતા બતાવતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો બિહારના ભાગલપુરના રસ્તાનો જ છે. પરંતુ રસ્તાના સમારકામ થઈ ગયાના બે મહિના પહેલાંનો આ ફોટો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
https://news.abplive.com/videos/viral-sach-is-this-road-full-of-potholes-in-bihar-547338
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો નહીં પરંતુ બિહારના ભાગલપુરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો નહીં પરંતુ બિહારના ભાગલપુરનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
