
તાજેતરમાં કેદારનાથ ખાતે કોઈ ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં 7 લોકોના મોત થયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં કેદરનાથ ખાતે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હેલિકોપ્ટર ક્રેશ થયાનો જે ફોટો મૂકવામાં આવ્યા છે એ વર્ષ 2015 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને તાજેતરમાં કેદારનાથ ખાતે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shubham Shah નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #બાબા_કેદારનાથના દર્શન માટે ભક્તોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર દુર્ઘટના અંગે ખૂબ જ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. #કેદારનાથ ધામ માં આજ રોજ હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર ક્રેશ થતા હેલિકોપ્ટર માં બેઠેલા પાંચ યાત્રીઓ અને પાઇલોટ નું મોત નીપજ્યું છે.. બાબા કેદાર પુણ્યશાળી આત્માઓને શાંતિ આપે અને શોકાતુર સ્વજનોને ધૈર્ય આપે, મારી સંવેદના આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સાથે છે. ઓમ શાંતિ સીતારામ જય શ્રી કૃષ્ણ . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં કેદરનાથ ખાતે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા ફેસબુક પર 15 ફેબ્રુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આસામ ખાતે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈન્ડિયન એરફોર્સના બે પાયલોટના મોત નીપજ્યા છે.

આજ ફોટો સાથેના વધુ સમાચાર અમને મિડ-ડે દ્વારા અને એબીપી દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો istockphoto.com પર પણ વર્ષ 2015 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ક્રેશ થયેલા હેલિકોપ્ટનો ફોટો તાજેતરનો નહીં પરંતુ વર્ષો જૂનો છે.
ત્યાર બાદ અમે તાજેતરમાં કેદારનાથ ખાતે થયેલી દુર્ઘટના વિશે સર્ચ કરતાં અમને ANI પર 18 ઓક્ટોમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ જેમાં કેદારનાથ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદનો એક વીડિયો મૂકવામાં આવ્યો છે.
આ ઘટનાના કેટલાક અન્ય ફોટા તમે અહીં પણ જોઈ શકો છો. Tweet 1 | Tweet 2 | Tweet 3
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હેલિકોપ્ટર ક્રેશ થયાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2015 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને તાજેતરમાં કેદારનાથ ખાતે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં કેદારનાથ ખાતે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો નથી… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
