
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર બોલતાં અટકાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ તેમનું સંબોધન સમયના અભાવને કારણે ટૂંકાવવાની વાત કરી રહ્યા હતા અને બીજા કાર્યકર્તાઓ તેમને હજુ વધારે બોલવાનું કહી રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉદ્ધવની હાલત તો જોવો, કોંગ્રેસીયા પાંચ મીનીટ બોલવા નથી દેતા. ભાજપ સાથે હતા ત્યારે વડાપ્રધાન પણ સન્માન આપતા હતા. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર બોલતાં અટકાવવામાં આવ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે જોયું કે, વીડિયોમાં એક તરફ વર્ધા લખેલું છે અને બીજી બાજુ TV 9 મરાઠી લખેલું છે. આને ધ્યાનમાં રાખીને, અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડ્સનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને 22 એપ્રિલ, 2024 ના રોજ TV9 મરાઠીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વાયરલ વીડિયોનું લાંબુ સંસ્કરણ મળ્યું હતું. જેમાં અમને 50 સેકન્ડ પછીના વીડિયોમાં શું હકીકત હતી એ જાણવા મળ્યું હતું. કુલ 2 મિનિટ 23 સેકન્ડના આ વીડિયોમાં, એક મિનિટ 35 સેકન્ડમાં, ઉદ્ધવ ઠાકરે આસપાસના લોકોને મરાઠીમાં સમજાવે છે, “સમયના અભાવને ધ્યાનમાં રાખીને, મારે પણ નીકળવું પડશે.” આ પછી, 2 મિનિટ પછી બે વ્યક્તિ તેમની પાસે આવે છે અને તેમને બોલવાની વિનંતી કરે છે. જેના પર ઠાકરે કહે છે, “હું પાંચ મિનિટ બોલીશ.”
જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, ઉદ્ધવ ઠાકરેને મંચ પર બોલતા રોકવાને બદલે તેમને બોલવા દેવાની વિનંતી કરવામાં આવે છે. સમયના અભાવને કારણે તે પોતે જ કહે છે કે, તે ટૂંક સમયમાં તેમની વાત પૂરી કરશે. આવી સ્થિતિમાં, વાયરલ વીડિયો વિશે એ સ્પષ્ટ થઈ જાય છે કે, વાયરલ વીડિયો અંગે કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ભ્રામક છે.
આગળ અમને 22 એપ્રિલે ઝી 24 કલાક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ વીડિયો મળ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર હાજર નેતાઓ મહારાષ્ટ્રના પૂર્વ સીએમને 15 મિનિટ બોલવાની વિનંતી કરે છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે માત્ર પાંચ-સાત મિનિટ બોલે છે.
આ રેલીના સંદર્ભમાં, આપણે 23 એપ્રિલના રોજ સામ ટીવીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વીડિયો જોઈ શકીએ છીએ, જેમાં વાયરલ ક્લિપ જોઈ શકાય છે. વીડિયોની સાથેનું કેપ્શન છે કે, ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડીના ઉમેદવાર માટે બેઠક યોજી હતી. સમયના અભાવને કારણે તેમને વહેલું જવું પડ્યું, પરંતુ એક એક્ટથી તેમણે ઘણા લોકોના દિલ જીતી લીધા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ તેમનું સંબોધન સમયના અભાવને કારણે ટૂંકાવવાની વાત કરી રહ્યા હતા અને બીજા કાર્યકર્તાઓ તેમને હજુ વધારે બોલવાનું કહી રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બોલતાં રોકવામાં આવ્યા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Misleading
