તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેસલિંગમાં લડાઈ કરતી બે મહિલા રેસલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે યોજાયેલી એક મહિલા રેસલિંગ ચેમ્પિયનસીપમાં પાકિસ્તાની મહિલા રેસલરે ચેલેન્જ આપતાં ભાતરના તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની મહિલા રેસલરને બે વાર હરાવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દુબઇનો નહિ પરંતુ જલંધરમાં આવેલી ધ ગ્રેટ ખલીની ટ્રેનિંગ સ્કૂલનો છે. જેમાં રિંગની અંદર ઊભી રહીને કુસ્તી માટેની ચેલેન્જ કરી રહેલી મહિલા રેસલર પાકિસ્તાનની નહિ પરંતુ ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલ છે અને તેની સામેની મહિલા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી કવિતા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દુબઈમાં આયોજિત વિમેન્સ રેસલિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પાકિસ્તાની મહિલા કુસ્તીબાજ જીતી હતી. તેણે કુસ્તી સ્પર્ધા જોઈ રહેલી ભારતીય મહિલાઓની મજાક ઉડાવી હતી અને કોઈપણ ભારતીય મહિલાને સ્ટેજ પર આવીને તેની સાથે સ્પર્ધા કરવાનો પડકાર ફેંક્યો હતો. તમિલનાડુ, ભારતની "કવિતા વિજયલક્ષ્મી" નામની એક ભારતીય છોકરી, જે મેચ જોવા આવી હતી, તેણે હાથ ઊંચો કરીને કહ્યું કે તે તૈયાર છે. બહેન દ્વારા પહેરવામાં આવતા કપડા જોઈને ભારતીય સંસ્કૃતિનો પરિચય થવો જોઈએ. અમારી આ બહેને પાકિસ્તાની મહિલા કુસ્તીબાજને બે વાર હરાવી અને તેની ઝડપ રોકવા માટે બોક્સરોએ રિંગમાં આવવું પડ્યું. તમે બધાએ પણ આ સ્પર્ધા જોવી અને માણવી જોઈએ અને સાથે સાથે ભારતીય હોવાનો ગર્વ પણ કરવો જોઈએ. આપણી ભારતીય સ્ત્રીમાં ઘણી શક્તિઓ છે, તેણીને ફક્ત તેના માતા-પિતાની જરૂર છે જેથી તેણીને દુર્ગા અને કાલીની શક્તિનો અહેસાસ કરાવે અને તેનામાં વિશ્વાસ જગાડે. નોંઘ: વીડિયો જૂનો જ છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે યોજાયેલી એક મહિલા રેસલિંગ ચેમ્પિયનસીપમાં પાકિસ્તાની મહિલા રેસલરે ચેલેન્જ આપતાં ભાતરના તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની મહિલા રેસલરને બે વાર હરાવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને amarujala.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોના ફોટો સાથેના સમાચાર 17 જૂન, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જલંધર ખાતે ધ ગ્રેટ ખલી ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાયેલી કોંટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ એટલે કે CWE માં ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલે દર્શકોને તેની સાથે કુસ્તી કરવા ખુલ્લો પડકાર આપતાં કવિતા નામની મહિલાએ આ ચેલેન્જ સ્વીકારી અને રિંગમાં જઈને બીબી બુલબુલની ધુલાઈ કરી હતી. વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, કવિતા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી રહી ચૂકી છે. વધુમાં કવિતા મિક્સ માર્શલ આર્ટ્સ ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

Archive

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતો. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com | bhaskar.com | thenewsminute.com

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો CWE ના સત્તાવાર યુટ્યુબ પર 13 જૂન, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 5 વર્ષ જૂનો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દુબઇનો નહિ પરંતુ જલંધરમાં આવેલી ધ ગ્રેટ ખલીની ટ્રેનિંગ સ્કૂલનો છે. જેમાં રિંગની અંદર ઊભી રહીને કુસ્તી માટેની ચેલેન્જ કરી રહેલી મહિલા રેસલર પાકિસ્તાનની નહિ પરંતુ ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલ છે અને તેની સામેની મહિલા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી કવિતા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની કુસ્તીબાજને બે વાર હરાવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False