તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં થયેલા યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા લોકોની સારવાર માટેની ટ્રેનિંગ પર બનેલી એક ફિલ્મનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

દીપક કડકિયા નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પેલાઇ રહેલા સ્તાન માં સરસ મેકઅપ વિક્ટીમ કારડ એન કેશ કરવા ની તૈયારી માટે થઇ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેનો એક અહેવાલ TRT World દ્વારા તેના સત્તાવાર યુચટ્યુબ પર 2 માર્ચ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, પેલેસ્ટિનિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મેકઅપ આર્ટિસ્ટ મરિયમ સલાહ આ વીડિયોમાં હાજર હતી. મરિયમ એ કલાકારોનો મેક-અપ કરે છે જેમને ફિલ્મોમાં ઘાયલ બતાવવામાં આવે છે..

આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, મરિયમ 'ડોક્ટર્સ ઓફ ધ વર્લ્ડ' નામની ચેરિટી સંસ્થા માટે કામ કરે છે.

'ડૉક્ટર્સ ઑફ ધ વર્લ્ડ' એ ફ્રેન્ચ ચેરિટી સંસ્થા છે, જે વિશ્વભરમાં કટોકટીની પરિસ્થિતિઓમાં લોકોને સારવાર આપવાનું કામ કરે છે. ગાઝામાં રહેતા લોકોની સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી તેણે આ વીડિયો બનાવ્યો હતો.

એક જર્મન ન્યૂઝ વેબસાઈટ અનુસાર, આ વર્કશોપ ફેબ્રુઆરી 2017માં ગાઝામાં યોજાઈ હતી. તેનું આયોજન 'ડૉક્ટર્સ ઑફ ધ વર્લ્ડ' દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય 'મીમાસ' નામની એક મીડિયા કંપનીએ આ સમગ્ર વર્કશોપનું શૂટિંગ કર્યું હતું.

આ પછી, અમને પેલેસ્ટિનિયન મીડિયા આઉટલેટ 'ગાઝા પોસ્ટ'ની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોનું લાંબુ સંસ્કરણ મળ્યું. આ વીડિયો 25 ફેબ્રુઆરી, 2017ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અહીં અરબી ભાષામાં પણ લખવામાં આવ્યું છે કે આ વીડિયોમાં ગાઝાની સ્થિતિને સિનેમા દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.

2021 માં, ફ્રાન્સ 24 અંગ્રેજીએ આ વાયરલ વીડિયોની હકીકત તપાસી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં થયેલા યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા લોકોની સારવાર માટેની ટ્રેનિંગ પર બનેલી એક ફિલ્મનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False