સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓગસ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ નફરત અને જાતિવાદી માનસિકતા ક્યારે દૂર થશે????. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર newsable.asianetnews.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કોરોનાની મહામારીમાં જાગરુકતા ફેલાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ કોઈ વાસ્તવિક ઘટના નથી.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો 24 જૂન, 2020 ના રોજ 'Asianet Newsable' ની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે, બેંગ્લોર નગરપાલિકાના કેટલાક કર્મચારીઓએ આ વીડિયો એવા સમયે બનાવ્યો હતો જ્યારે ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. વીડિયોમાં સફાઈ કામદારો સાથે દુર્વ્યવહાર કરતી દેખાતી મહિલા પોતે બેંગલુરુ મ્યુનિસિપાલિટીની કર્મચારી છે અને તે માત્ર તેની ભૂમિકા ભજવી રહી હતી.
અહેવાલો અનુસાર, આ વીડિયો વાયરલ થયા પછી, કેટલાક અધિકારીઓ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને વાસ્તવિક ઘટના માનીને ગુસ્સે થયા હતા. આ પછી બીજા દિવસે બીજો વીડિયો બનાવવામાં આવ્યો અને સ્પષ્ટ કરવામાં આવ્યું કે, તે માત્ર જાગૃતિ ફેલાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતી મહિલાઓ બેંગલુરુના સિંગાસાંડ્રા વોર્ડની કર્મચારીઓ હતી.
વીડિયોમાં બેંગલુરુ મ્યુનિસિપાલિટીના સ્પેશિયલ કમિશનર સરફરાઝ ખાને પણ આ પ્રયાસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “આ વીડિયો કેટલાક લોકોમાં પરિવર્તન લાવશે જેઓ સફાઈ કામદારો સાથે ગેરવર્તન કરે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False