
સરકારી પ્રાયમરી સ્કૂલ કોસ,તા-મહુવા જી-સુરત નામના ફેસબુક પેજ દ્વારા 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, એક જ પરિવાર ના 3 ભાઈ બહેન IPS……આપણે પણ એવું સપનું જોઈએ કે આપણા પરિવારમા પણ આવું કંઈક થાય……. અને તે માટે પ્રયત્નો કરીએ…… હા..હા….હી….હી….કરવામાંથી બહાર આવીએ….. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતા 3 IPS અધિકારી એક જ પરિવારના ભાઈ-બહેન છે. આ પોસ્ટને 30 લોકોએ લાઈક કરી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતા 3 IPS અધિકારી એક જ પરિવારના ભાઈ-બહેન છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને આ ફોટો ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુમાં અમને તુષાર ગુપ્તા નામના યુઝર દ્વારા આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. તેની પ્રોફાઈલ પરની માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, તે 2018 ના પંજાબ કેડરના IPS અધિકારી છે. તે 113 મા ક્રમે હતા.
તુષાર ગુપ્તાએ આ ફોટામાં ShrutSom અને Pooja Vashisht બંનેને ટેગ કર્યા છે. બંનેની પ્રોફાઇલ તપાસ્યા બાદ એ જાણવા મળ્યું હતું કે, તે બંને આઈપીએસ અધિકારી છે. તેમના નામ અનુક્રમે શ્રુત કીર્તિ સોમવંશી (બેચ 2018, રેન્ક 157) અને પૂજા વસિષ્ઠ (બેચ 2018, રેન્ક 111 છે.
પૂજા વસિષ્ઠ દ્વારા પણ આ ફોટો 22 ઓગષ્ટના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ ફોટો હૈદરાબાદના સરદાર વલ્લભભાઈ પટેલ અકાદમી ખાતે લેવામાં આવ્યો હતો.
વધુમાં પૂજા વસિષ્ઠે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ફોટો સાથે કરવામાં આવી રહેલા દાવા અસત્ય હોવાનું જણાવ્યું હતું. તેઓએ વધુમાં ફોટો નીચે એ પણ લખ્યું હતું કે, “આ સંબંધ લોહીનો નહીં પરંતુ ખાખીનો છે.”

અમારી વધુ તપાસમાં અમે IPS ની વેબસાઈટ પર 19 ડિસેમ્બર, 2018 ના રોજ એ વર્ષના IPS અધિકારીઓની યાદી મેળવી હતી. જેમાં વાયરલ ફોટોમાં દેખાતા ત્રણેય IPS અધિકારીઓના નામ છે. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, આ ત્રણેયની અટક અલગ-અલગ છે. જ્યારે તુષાર પંજાબના છે, પૂજા હરિયાણાની છે તેમજ શ્રુત કીર્તિ ઉત્તર પ્રદેશની છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં દેખાતા ત્રણેય IPS અધિકારી એક જ પરિવારના ભાઈ-બહેન નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં દેખાતા ત્રણેય IPS અધિકારી એક જ પરિવારના ભાઈ-બહેન નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ફોટોમાં દેખાતા ત્રણેય IPS અધિકારી એક જ પરિવારના ભાઈ-બહેન નથી… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
