
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’ પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને બનાવવામાં આવેલો અધૂરો વીડિયો છે. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Narendra Modiના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 10 એપ્રિલ, 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધન કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 39.39 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના ભાગને જોઈ શકો છો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને પોતાના ભાષણમાં એક ટૂંકી વાર્તાનું દ્રષ્ટાંત આપી રહ્યા છે. જેમાં તેઓ એવું જણાવી રહ્યા છે કે, “અમે નાના હતા ત્યારે એક વાર્તા સાંભળી હતી. જેમાં એક ડાકુ હતો એ લોકોને લૂંટતો હતો તો તેને ફાંસીની સજા થઈ. જ્યારે તેને ફાંસીની સજા પહેલાં પૂછવામાં આવ્યું કે તારી અંતિમ ઈચ્છા શું છે. તો તેણે જણાવ્યું કે મારી અંતિમ ઈચ્છા મારી માને મળવાની છે. તો સરકારે તેની માને મળવાની વ્યવસ્થા કરી આપી. જ્યારે તે તેની માને મળ્યો ત્યારે તરત જ તેણે તેની માને જોરથી એક લાફો માર્યો અને એની માના નાક પર બચકુ ભરી દીધું. પછી તેને પૂછવામાં આવ્યું કે, તે તારી મા પર આ રીતે હુમલો કેમ કર્યો તો તેણે જવાબમાં કહ્યું કે, જ્યારે હું નાની ચોરીઓ કરતો હતો ત્યારે મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારો ના બનતો અને આજે ફાંસી પર ચડવાની પરિસ્થિતિ પણ ના ઉભી થતી.”
આજ વીડિયોને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. The Print | OTV
નીચે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓરિજીનલ વીડિયો અને એડિટ કરેલા વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો વાયરલ વીડિયો અધૂરો અને એડિટ કરેલો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને બનાવવામાં આવેલો અધૂરો વીડિયો છે. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


