
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ગરબે ઘુમી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં ગુજરાતીઓ એરપોર્ટ પર ગરબે ઘુમ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે એરપોર્ટ પર ગરબે ઘુમી રહેલા કેટલાક લોકોનો શેર કરવામાં આવેલો આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ સપ્ટેમ્બર 2025નો છે. ત્યારે ફ્લાઈટ લેટ થતાં સુરતી મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા ગાવાનું શરુ કર્યું હતું. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 5 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં ગોવા એરપોર્ટ પર ગુજરાતીઓએ કર્યો ગરબા. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં ગુજરાતીઓ એરપોર્ટ પર ગરબે ઘુમ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો સાથેના સમાચાર દિવ્ય ભાસ્કર દ્વારા 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્ડિગો એરલાઈન્સની સુરત-ગોવા ફ્લાઈટ સાત કલાક મોડી પડતા મુસાફરો ભારે હેરાન પરેશાન થયા હતા. પાઇલોટની અચાનક તબિયત લથડતા બીજા પાઇલોટની વ્યવસ્થામાં વધુ સમય થતાં સાંજે 5:00 વાગ્યે ગોવાથી સુરત આવતી ફ્લાઇટ સાત કલાક જેટલી લેટ થઈ હતી. નવરાત્રિના કારણે સુરત ઝડપથી પહોંચવા માંગતા પેસેન્જરોએ આ સમયનો સદુપયોગ કિંજલ દવેના ગીત પર ગરબા રમીને કર્યો હતો.

આ સમાચારમાં વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, મયુર નામના પેસેન્જરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ કામ અર્થે ગોવા ગયા હતા અને નવરાત્રિ હોવાથી જલ્દી સુરત પાછા આવવા માંગતા હતા. રેલવેથી આવવામાં મોડું થતું હોવાથી તેમણે રેલવેની ટિકિટ રદ કરાવીને ફ્લાઇટ બુક કરાવી હતી. સાંજે 5:00 વાગ્યે ફ્લાઇટ ઉપડવાની હતી, પરંતુ તે લેટ થઈ હતી. મયુરે ફ્લાઇટના સ્ટાફ મેમ્બરને જણાવ્યું કે, તેઓ ગરબા રમવા માટે જલ્દી સુરત જવા માંગતા હતા, પરંતુ હવે ફ્લાઇટ લેટ થઈ છે તો તેઓ એરપોર્ટ પર જ ગરબા કરશે. મયુરની આ વાત સાંભળીને સ્ટાફ મેમ્બરે પેસેન્જરો માટે સ્પીકરની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાર બાદ બધા પેસેન્જરોએ કિંજલ દવેના ગીત પર ગોવા એરપોર્ટ પર જ ગરબાની મોજ માણી હતી.
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત આ જ માહિતી સાથેના વીડિયો સમાચાર ઝી 24 કલાક દ્વારા પણ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | NDTV India
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે એરપોર્ટ પર ગરબે ઘુમી રહેલા કેટલાક લોકોનો શેર કરવામાં આવેલો આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ સપ્ટેમ્બર 2025નો છે. ત્યારે ફ્લાઈટ લેટ થતાં સુરતી મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા ગાવાનું શરુ કર્યું હતું. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં ફ્લાઈટ કેન્સલ થતાં ગુજરાતીઓ એરપોર્ટ પર ગરબે ઘુમ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context


