
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયાનો માહોલ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં આકાશમાં ડ્રોનને મિશાઈલ દ્વારા પાડી દેવામાં આવી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનના ડ્રોનને ભારત દ્વારા પાડી દેવામાં આવ્યા તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનના ડ્રોનને ભારત દ્વારા પાડી દેવામાં આવ્યા તેનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઓલ ઈઝરાયલ ન્યુઝ અને ઓલ અરબ ન્યુઝના એડિટર જોઈલ સી રોઝર્નબર્ગ દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ જે ટ્વિટ 4 ઓગસ્ટ 2024ના કરવામાં આવ્યુ હતુ અને આ વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ વીડિયો 4 ઓગસ્ટ 2024ના ઈઝરાયલ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઈઝરાયલ વોર રૂમ પરથી શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર ઇઝરાયલમાં રોકેટના અવરોધ.”
તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ વીડિયો સાથે આ જ સ્થળના બીજા એંગલથી વીડિયો પ્રાપ્ત થયા હતા અને માહિતી આપવામાં આવી હતી કે, “હિઝબુલ્લાહે લેબનોનથી ઉત્તરી ઇઝરાયલ તરફ આશરે 50 રોકેટ છોડ્યા, જેમાં બેટ હિલેલમાં ત્રણ રોકેટ અસર થયાના અહેવાલ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાનનો નહીં પરંતુ ઈઝરાયલનો ગત વર્ષનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ઈઝરાયલના જૂના વીડિયોને ભારત-પાકિસ્તાનના યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
