
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા એક વિદેશી વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રી નહીં પરંતુ એક અમેરિકાના યોગા શિક્ષક છે જેમણે ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. આ વીડિયોને ન્યૂઝીલેન્ડ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 27 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ન્યુઝીલેન્ડના ગૃહમંત્રીએ અપનાવ્યો સનાતન ધર્મ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ન્યૂઝીલેન્ડ સરકારની સત્તાવાર વેબસાઈટ પર સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ સરકારમાં ગૃહમંત્રાલય નામનો કોઈ વિભાગ જ નથી. વધુમાં અમને આ વેબસાઈટ પર એ જાણવા મળ્યું કે, Brook Van Valden ને આંતરિક સમસ્યાઓ અને કાર્યસ્થળ સંબંધના સુરક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે.
ત્યાર બાદ અમે વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો @IBRENTGOBLE દ્વારા તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 નવેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લી રાત્રે એલેક્સની નામકરણ વિધિ હતી 💫 જોકે હિંદુ ધર્મ મારા ઉછેરનો ભાગ નથી, ત્યારે મને એવી ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાનું પસંદ છે જે મારી પત્ની અને સાસરિયાઓ માટે મહત્વપૂર્ણ છે.
હું પ્રાર્થના કરું છું કે, મારો પુત્ર જીવનમાં ઉત્સાહ સાથે આગળ વધે, જરૂરી પડકારોનો સામનો કરે, પૂરા જનૂન સાથે લડે અને ખુલ્લા હૃદયથી પ્રેમ કરે…
અમારી વધુ તપાસમાં અમે બ્રેન્ટ ગ્લોબલને ગુગલ પર સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, તે એક યોગા શિક્ષક છે. તે અમેરિકાના છે અને તેમણે ભારતીય મૂળની અભિનેત્રી આશ્કા ગોરડિયા સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં તે અમદાવાદમાં રહે છે.
હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પણ તમે આ બંનેના સંબંધ વિશેની માહિતી જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રી નહીં પરંતુ એક અમેરિકાના યોગા શિક્ષક છે જેમણે ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. આ વીડિયોને ન્યૂઝીલેન્ડ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
