
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈજિપ્ત ખાતે આવેલી મિલિટ્રી કોલેજની સામે નીચે ઉતરી રહેલા પેરાશૂટરોનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Yusuf Aibani નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હમાસ જે કરી રહ્યું છે તે યુદ્ધ ની નવી ટેકનીક છે. આવું ભૂતકાળમાં ક્યારેય થયું નથી. પેરા ગ્લાઈડર ક્યારેય રડાર માં આવી શકે નહિ કારણ કે એમાં મેટલ નો કોઈ ખાસ ઉપયોગ થતો નથી. આ રીતે સરહદ ઓળંગવી એ માત્ર ને માત્ર જેને મરવાની બીક ન હોય તે જ કરી શકે. બંદૂક ની એક ગોળી અને ખેલ ખતમ થઈ જાય. છતાં હજારો પેલેસ્ટની પેરા ગ્લાઈડર અને બંદૂક લઈને ઇઝરાયલ માં ઉતરી પડ્યા છે. ઇઝરાયલ નાં સૈનિકો ને મારી રહ્યા છે, એમના હથિયારો એમની સામે જ વાપરી રહ્યા છે. માત્ર બોમ્બ થી ઇઝરાયલ નાં ફાઇટર પ્લેન ને તોડી રહ્યા છે, ટેંકો લૂંટીને પેલેસ્ટાઈન માં પહોંચાડી રહ્યા છે. રસ્તામાં જે આવે તેને ઉડાડી રહ્યા છે. ઇઝરાયલે ક્યારેય આ વિચાર્યું નહિ હોય. હાલના સમાચાર પ્રમાણે ઇઝરાયલ નાં એરપોર્ટ અને ચાર શહેરો પર હમસ નો કબજો છે.⚘ આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેની એક ટ્વિટ 8 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા કરવામાં આવી હતી. જેની સાથે નીચે કોમેન્ટમાં કેટલાક યુઝર દ્વારા આ વીડિયો ઈજિપ્ત ખાતે મિલિટ્રી ટ્રેનિંગ હેડક્વાટર્સ સામે નીચે ઉતરી રહેલા પેરાટ્રુપર્સનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં રાખીને અમે ઈજિપ્તની મિલિટ્રી ટ્રેનિંગ એકેડેમીને શોધતાં અમને ગુગલ મેપ પર તેના ફોટો પ્રાપ્ત થયા હતા.
નીચે તમે વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહેલી બિલ્ડિંગ અને ઈજિપ્તની મિલિટ્રી ટ્રેનિંગ એકેડેમીની બિલ્ડિંગ વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

સાઈન બોર્ડ પર લખેલા શબ્દો વાંચવા માટે અમે ગુગલ લેન્સ અને ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો. પરિણામમાં અમને જાણવા મળ્યું કે, તે “મિલિટરી કોલેજ” લખેલું છે. અમે બિલ્ડિંગની બહાર દેખાતા લોગો અને ઇજિપ્તની મિલિટરી કૉલેજના લોગોની પણ સરખામણી કરી. જે એ બતાવે છે કે, વાયરલ વીડિયો ઈઝરાયેલમાં નહીં પરંતુ ઈજિપ્તના કૈરોમાં ઈજિપ્ત મિલિટરી કોલેજની સામે શૂટ કરવામાં આવ્યો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈજિપ્ત ખાતે આવેલી મિલિટ્રી કોલેજની સામે નીચે ઉતરી રહેલા પેરાશૂટરોનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
