
તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક અને અને મહિલાનો એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તે સમયે યુદ્ધ પર જઈ રહેલા સૈનિકનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2016 માં યુદ્ધ પર બનેલી એક ફિલ્મ ‘The War of Chimeras’ નો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ફેસબુક પેજ દ્વારા 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સામે આવ્યો ઈમોશનલ, જંગ પર જવા પહેલા સૈનિક પતિઓને જોઈ ધ્રૂસકે ધ્રુસકે રડી પડી પત્નીઓ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તે સમયે યુદ્ધ પર જઈ રહેલા સૈનિકનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક યુક્રેન ભાષાની યુટ્યુબ ચેનલ TV channel Direct દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 26 ફેબ્રુઆ, 2018 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “યુક્રેનિયન ડોક્યુમેન્ટરી “વોર ઓફ ધ ચિમેરાસ’ યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) માં બતાવવામાં આવી હતી”. આ વીડિયોમાં તમે 0.10 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યો જોઈ શકો છો.
વધુમાં અમને UATV English દ્વારા પણ આજ વીડિયો 16 ફેબ્રુઆરી, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં UATV English દ્વારા આ ડોક્યુમેન્ટરી બનાવનાર ફિલ્મ નિર્માતા Anastasiya Starozhytska નું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ‘The War of Chimeras’ નામની સંપૂર્ણ ફિલ્મ МашКіно production દ્વારા તેના યુટ્યુબ પર 23 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ ફિલ્મમાં તમે 2.47 મિનિટથી 3.33 મિનિટ સુધી તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2016 માં યુદ્ધ પર બનેલી એક ફિલ્મ ‘The War of Chimeras’ નો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:ફિલ્મમાં યુદ્ધ પર જઈ રહેલા એક સૈનિકનો વીડિયો યુક્રેનની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
