
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા નસીરુદ્દીન શાહના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, વો ભી ક્યા દિન થે જબ સાયન્ટિસ્ટ રાષ્ટ્રપતિ થે ઔર અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી અબ પ્રધાનમંત્રી ચાયવાલા ઔર ગૃહમંત્રી તડીપાર હૈ. ઔર રાષ્ટ્રપતિ ગુલામ ક્યા દિન આએ હૈ દેશ કે… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sher Ali Khan નામના ફેસબુક યુઝર દ્વારા 26 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વો ભી ક્યાં દિન થે… જ્યારે ફોટોમાં મૂકવામાં આવેલી ટ્વિટમાં એવું લખવામાં આવ્યું છે કે, वो भी क्या दिन थे जब सायंटिस्ट राष्ट्रपति थे और अर्थशास्त्री प्रधानमंत्री अब प्रधानमंत्री चायवाला और गृहमंत्री तड़ीपार है. और राष्ट्रपति गुलाम क्या दिन आए है देश के…. જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, “એવા પણ દિવસો હતા કે જ્યારે વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા અને અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી. જ્યારે હવે પ્રધાનમંત્રી ચાવાળો અને ગૃહમંત્રી તડીપાર છે અને રાષ્ટ્રપતિ ગુલામ. શું દિવસો આવ્યા છે દેશના…”. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ અભિનેતા નસીરુદ્દીન શાહનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું નહતું.
અમારી વધુ તપાસમાં અમને hindi.oneindia.com દ્વારા 9 ફેબ્રુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં નસીરુદ્દીન શાહની પત્ની રન્ના પાઠક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, તેમના પતિ નસીરુદ્દીન શાહનું કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી.
પરંતું અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા નસીરુદ્દીન શાહના જે ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વિટ કરવામાં આવી છે તે @RealNaseeruddin ને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.

Title:અભિનેતા નસીરુદ્દીન શાહના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
