
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલાઓ લઈ જતી પોલીસનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં કોરોના વાયરસને પગલે મુરાદાબાદ ખાતે કેટલીક મહિલાઓએ પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસે 13 મહિલાઓ સહિત 25 લોકોની અટકાયત કરી હતી તેનો આ વીડિયો છે. આ વીડિયોને રામનવમીની શોભાયાત્રા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હિન્દૂ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા 15 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રામનવમી ની શોભાયાત્રા ઉપર પથ્થર રૂપી ફૂલ ફેંકવા વાળી અપ્સરા ની વિદાઈ ધૂમધામ થી સરકારી ગાડી થી કરવાંમાં આવી …. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ndtv.com દ્વારા 15 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મુરાદાબાદ ખાતે કોરોનાના સમયગાળામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થઈ જતાં ત્યાંના સ્થનિક લોકોએ ડોક્ટરો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ડોક્ટર તેમજ પોલીસ ઘાયલ થયા હતા. વધુમાં તેમના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે પથ્થરમારો કરતી મહિલાઓ સહિત કેટલાક અન્ય હુમલાખોરોની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત સમાચાર પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ઘટના વર્ષ 2020 ના કોરોનાકાળમાં બની હતી.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર ઈન્ડિયા બ્લૂમ્સ ન્યૂઝ સર્વિસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના વધુ એક અલગ એન્ગલ સાથેના સમાચાર રિપબ્લિક વર્લ્ડ દ્વારા 15 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
વધુમાં અમને Akhlad Khan નામના એક પત્રકાર દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર આ ઘટનામાં પકડાયેલા તમામ આરોપીઓના નામ સાથેની યાદીની એક પ્રેસ નોટ ઉત્તરપ્રદેશના સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી હતી એ પ્રાપ્ત થઈ હતી.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બનેલી ઘટનાનો છે જેને રામનવમીની શોભાયાત્રા સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલાઓ લઈ જતી પોલીસનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં કોરોના વાયરસને પગલે મુરાદાબાદ ખાતે કેટલીક મહિલાઓએ પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસે 13 મહિલાઓ સહિત 25 લોકોની અટકાયત કરી હતી તેનો આ વીડિયો છે. આ વીડિયોને રામનવમીની શોભાયાત્રા સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
