
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્લાસ્ટિક રિસાયક્લિંગનો છે. આ વીડિયોને ખાંડ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 19 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિક ની ખાંડ બને જુઓ 😯 પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાનો આ વીડિયો છે.
https://www.facebook.com/reel/1532793894801011
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 15 જૂન, 2025 ના રોજ સ્માર્ટેસ્ટ વર્કર નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પ્લાસ્ટિક વેસ્ટમાંથી તેનું રિસાયક્લિંગ કરી તેમાંથી સફેદ ગોળીઓ બનાવવાનો છે. આ વીડિયો સાથે પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાની કોઈ પણ માહિતી આપવામાં આવી ન હતી.
આ જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક પ્રકારના મશીનોના વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને પ્લાસ્ટિક કચરાનું રિસાક્લિંગ કરી તેમાંથી પ્લાસ્ટિકની સફેદ ગોળીઓ બનાવવાના અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો નહીં પરંતુ પ્લાસ્ટિક રિસાયક્લિંગનો છે. આ પહેલાં પણ અમે આવા જ એક થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાના વીડિયોનું ફેક્ટ ચેક કર્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્લાસ્ટિક રિસાયક્લિંગનો છે. આ વીડિયોને ખાંડ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False


