આ વીડિયો સુરતમાં કાપડ ઉદ્યોગપતિની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીનો છે. આ વીડિયોને ફતેહપુર મકબરા વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી.

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મંદિર-મકબરાના વિવાદ પછી પરિસ્થિતિ હવે સામાન્ય છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેટલાક હિન્દુ સંગઠનોએ આ સ્થળમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેમનો દાવો છે કે તે મંદિર તોડીને બનાવવામાં આવ્યું હતું.
આ વિવાદ વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં, પોલીસ એક વ્યક્તિને લઈ જતી જોઈ શકાય છે. તે જ સમયે, તે વ્યક્તિ હાથ જોડીને માફી માંગતી જોઈ શકાય છે. વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તે વ્યક્તિ છે જેણે ફતેહપુર સ્થિત સમાધિમાં તોડફોડ કરી હતી, જેની પોલીસે અટકાયતમાં લીધી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તે વ્યક્તિ છે જેણે ફતેહપુર સ્થિત સમાધિમાં તોડફોડ કરી હતી, જેની પોલીસે અટકાયતમાં લીધી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યૂઝ18 ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ ઘટનાનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “લિંબાયત પોલીસે સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલા આલોક અગ્રવાલ હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.“
તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્ય ભાસ્કરની વેબસાઇટ પર 10 ઓગસ્ટ 2025ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વ્યક્તિ પર સુરતમાં કાપડ ઉદ્યોગપતિ આલોક અગ્રવાલની હત્યાનો આરોપ છે, જેની સુરત પોલીસે ધરપકડ કરી છે.”

17 ઓગસ્ટના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, “સુરત ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસે શનિવારે મોડી રાત્રે વાપીના ડુંગરા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન કાપડ ઉદ્યોગપતિ આલોક અગ્રવાલની સનસનાટીભર્યા હત્યાના મુખ્ય આરોપી અશફાક શેખ ઉર્ફે કૌવાને પગમાં ગોળી મારીને ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શેખ 2 ઓગસ્ટથી ફરાર હતો, જ્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભલ ફાયર સ્ટેશન નજીક અગ્રવાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તેના પાંચ સાથીઓની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ શેખ ફરાર હતો, પોલીસથી બચવા માટે વારંવાર નવસારી, વલસાડ, વ્યારા, જલગાંવ, માલેગાંવ અને સુરતમાં છુપાવાના સ્થળો બદલતો હતો.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સુરતમાં કાપડ ઉદ્યોગપતિની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીનો છે. આ વીડિયોને ફતેહપુર મકબરા વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સુરતના હત્યાના આરોપીના વીડિયોને ફતેહપુરના આરોપી તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
