
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ભારતીય સેનાના જવાનો માટે ફંડ એકત્ર કરવા અંગેની એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો માટે હથિયાર ખરીદવામાં થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીમાં જે એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો છે એ ભારતને કોઈ પણ જવાન શહીદ થાય તો તેના માટે દેશના નાગરિકો દાન કરી શકે એ માટેનો છે. આ માહિતી ભારત કે વીર નામની એક વેબસાઈટ શરુ કરવામાં આવી છે તેના પર આપવામાં આવી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો માટે હથિયાર ખરીદવામાં થશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલ પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને ભારતીય સેનાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આજ મેસેજમાં આપવામાં આવેલા એકાઉન્ટ નંબર અને તેના વિશેની ખોટી માહિતી અંગેની સ્પષ્ટતા કરતી એક ટ્વિટ 2 સપ્ટેમ્બર, 2016 ના રોજ કરવામાં આવી હતી.
ઉપરની ટ્વિટ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે,
- આ સંદેશ બે અલગ-અલગ પહેલોનું મિશ્રણ છે, નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આર્મી વેલ્ફેર બેટલ ફંડ કેઝ્યુઅલ્ટી કેસ અને ભારત કે વીર ફંડ જેની સ્થાપના 2017માં ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી અને અભિનેતા અક્ષય કુમારે આ અભિયાનમાં ઘણો સહયોગ આપ્યો હતો.
- અક્ષય કુમારે ભારતીય નાગરિકોને સ્વેચ્છાએ દાન કરવાની વિનંતી કરી છે તે આંશિક રીતે સાચું છે.
- આપેલ બેંક ખાતાની વિગતો પણ સાચી છે. ભારતીય સેનાએ ટ્વિટર પર સ્પષ્ટતા આપીને આ વાતની પુષ્ટિ કરી છે.
- સોશિયલ મીડિયા પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી તમામ ભાષામાં વાયરલ વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ પૈસાનો ઉપયોગ સેના માટે હથિયાર ખરીદવા માટે પણ કરવામાં આવશે, જે ખોટું છે.
- સપ્ટેમ્બર 2016 માં, ભારતીય સેનાએ તેના સત્તાવાર ટ્વિટર પેજ પર વાયરલ થઈ રહેલી આ માહિતી અંગે સ્પષ્ટતા કરતી એક પોસ્ટ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, તે આર્મી વેલ્ફેર ફંડ બેટલ કેઝ્યુઅલ્ટીઝ નામનું એક નવું બેંક એકાઉન્ટ બનાવશે. પ્રાપ્ત થયેલ દાનનો ઉપયોગ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના સંબંધીઓ/વિધવાઓ/આશ્રિતો માટે કરવામાં આવશે. આ 2016 માં સિયાચીનમાં ઘાતક હિમપ્રપાતના પરિણામે કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો અને બાદમાં યોગદાન આપનારા નાગરિકો તરફથી સમર્થન પ્રાપ્ત થયાનો દાવો કર્યો હતો.
આ પહેલાં ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર આજ મેસેજમાં કેનરા બેંકની જગ્યાએ સિન્ડિકેટ બેંક પણ લખવામાં આવ્યું હતું. જેથી સિન્ડિકેટ બેંકે પણ બેંક ખાતાના અસ્તિત્વની પુષ્ટિ કરતું નિવેદન જારી કર્યું હતું.
- અક્ષય કુમારે “ભારત કે વીર” નામની એક અલગ પહેલની સ્થાપના કરી છે.
- જાન્યુઆરી 2017 માં, અક્ષય કુમારે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં એક મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ ખોલવાનો વિચાર સૂચવવામાં આવ્યો હતો જ્યાં દેશના નાગરિકો શહીદ સૈનિકોના પરિવારો માટે સ્વેચ્છાએ યોગદાન આપી શકે. વેબસાઇટ: ભારત કે વીર
- ભારત કે વીર વિકિપીડિયા
- ભારત કે વીર વેબસાઇટ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે, જેમાં હજારો ભારતીયોએ શહીદ સૈનિકોના પરિવારોને પૈસા મોકલીને મદદ કરી છે. આવા પરિવારોની બેંક વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને સૈનિકોને પરિવાર દીઠ 15 લાખ રુપિયા મળી શકે તેની કાળજી લેવામાં આવી છે જેથી તે પૈસાથી ઘરની સંભાળ રાખી શકાય.
વાયરલ થઈ રહેલા આજ મેસેજની માહિતી અંગે ઘણા બધા લોકો અને મીડિયા સંસ્થાઓએ પણ તેમનું વિશ્લેષણ કર્યું છે અને જે તમે અહીં જોઈ શકો છો: આજ તક | પંજાબ કેસરી
પરિણામ
આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીમાં જે એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો છે એ ભારતને કોઈ પણ જવાન શહીદ થાય તો તેના માટે દેશના નાગરિકો દાન કરી શકે એ માટેનો છે. આ માહિતી ભારત કે વીર નામની એક વેબસાઈટ શરુ કરવામાં આવી છે તેના પર આપવામાં આવી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
