મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને આજે ઘણા દિવસો થયા અને સતત યુદ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે હાલમાં એક ન્યૂઝ બુલેટિયનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મિડલ ઈસ્ટના યુદ્ધની અસર ગુજરાત પર થઈ રહી છે અને ગુજરાતના 18 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને VTV Gujarati News ના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ ન્યૂઝ બુલેટિયન પ્રાપ્ત થયુ હતુ જે 8 મે 2025ના પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને વીટીવી ગુજરાતી ન્યૂઝના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવામાં અમે ગુજરાતની ડીજીપી ઓફિસનો સંપર્ક સાધ્યો હતો, જેમણે અમને જણાવ્યુ હતુ કે, હાલમાં ગુજરાતમાં યુદ્ધને લઈ કોઈ ખતરો નથી, આ જૂના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગત વર્ષનો ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોને અફવાઓથી દૂર રહેવા નિવેદન કરવામાં આવી રહ્યુ.


