તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા કોરિડોરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોર જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો નહીં પરંતુ સિંગાપોર ખાતે બનાવવામાં આવેલા ઈકોલોજીકલ બ્રિજનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 30 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર, રણથંભોર ટાઈગર રિઝર્વ નજીક, 12 કિલોમીટરના વિસ્તારમાં ભારતનો પહેલો વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ખાસ કોરિડોરમાં 5 ઓવરપાસ અને 1.2 કિલોમીટર લાંબો અંડરપાસ શામેલ છે, જેના દ્વારા વાઘ, રીંછ, સિંહ, ચિત્તા જેવા મોટા પ્રાણીઓ હવે કોઈપણ ડર કે અવરોધ વિના રસ્તો પાર કરી શકશે.
દરેક ઓવરપાસને ઉપરથી વૃક્ષો, ઝાડીઓ અને ઘાસથી ઢાંકવામાં આવ્યો છે, જેથી પ્રાણીઓને એવું લાગે કે તેઓ જંગલમાં જ છે. આનાથી તેઓ સહેલાઈથી રસ્તો પાર કરી શકશે અને તેમને રસ્તા કે ગાડીઓનો ડર નહીં લાગે. આ ઉપરાંત, એક્સપ્રેસવેની બંને બાજુ ઊંચી દીવાલો બનાવવામાં આવી છે જેથી ન તો કોઈ પ્રાણી રસ્તામાં આવી શકે અને ન તો કોઈ રાહદારી આ રસ્તાઓ પાર કરી શકે.
પ્રાણીઓને ગાડીઓના અવાજથી પરેશાની ન થાય તે માટે સાઉન્ડ બેરિયર પણ લગાવવામાં આવ્યા છે, જે ટ્રાફિકના અવાજને ઓછો કરે છે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે નિર્માણ દરમિયાન કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચે. આ માટે ખાસ ટીમો 24 કલાક તૈનાત હતી, જે કામની દેખરેખ કરતી હતી.
આ આખા વિસ્તારમાં લગભગ 35,000 વૃક્ષો લગાવવામાં આવ્યા છે, અને દર 500 મીટર પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
આ પહેલીવાર છે જ્યારે ભારતમાં પ્રાણીઓ માટે આ પ્રકારનો ઓવરપાસ બનાવવામાં આવ્યો છે. આ માત્ર એક તકનીકી સિદ્ધિ નથી, પરંતુ તે દર્શાવે છે કે વિકાસ અને પર્યાવરણ એકસાથે કેવી રીતે આગળ વધી શકે છે. આ પ્રોજેક્ટ આવનારા સમયમાં દેશના અન્ય ભાગો માટે એક ઉદાહરણ બની શકે છે.
જો આપણે યોગ્ય રીતે યોજના બનાવીએ, તો મનુષ્ય અને પ્રાણી બંને સાથે રહી શકે છે — કોઈને નુકસાન પહોંચાડ્યા વિના. આ જ સંદેશ આપે છે આ વાઈલ્ડલાઈફ ઓવરપાસ. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર todayonline.com દ્વારા 12 ફેબ્રુઆરી, 2022ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ સિંગાપોરમાં બનાવવામાં આવેલો પ્રથમ ઇકોલોજિકલ બ્રિજ 62-મીટર લાંબો Eco-Link@BKE છે. જે 2013માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને નેશનલ પાર્ક્સ બોર્ડ (NParks) દ્વારા સંચાલિત, Eco-Link@BKE બુકિત તિમાહ નેચર રિઝર્વ અને સેન્ટ્રલ કેચમેન્ટ નેચર રિઝર્વને બુકિત તિમાહ એક્સપ્રેસવે (BKE) પર જોડે છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ ફોટો ભારતનો નથી.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sg101.gov.sg | graphics.straitstimes.com
અમારી વધુ તપાસમાં અમને પંજાબ કેસરી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલમાં એવું જાણવા મળ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોર હજુ અંડર કંસ્ટ્રક્શન છે. તે હજુ સંપૂર્ણપણે તૈયાર થયો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોર જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો નહીં પરંતુ સિંગાપોર ખાતે બનાવવામાં આવેલા ઈકોલોજીકલ બ્રિજનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો દિલ્હી-મુંબઈ એકેસ્પ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરના નામે વાયરલ વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
