
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં જ્યારે જામનગરની મુલાકાત લીધી ત્યારે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 12 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આપણા PM મોદીકાકા એવું કહે છે કે આપણા દેશમાં હાલ કૈંજ મોંઘવારી નથી…. શું મોદીકાકાની આ વાત સાચી છે…. તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવો….. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એવું જાણવા મળ્યું કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાષણ આપતો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2022માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની મુલાકાત લીધી એ સમયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજ કપડાં સાથેનો સંપૂર્ણ વીડિયો Narendra Modi દ્વારા તેમના સત્તાવાર યુટ્યુબ પર 10 ઓક્ટોબર, 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જામનગર ખાતે વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ કર્યો તે સમયનો આ વીડિયો છે.
આ સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો તો આ જાહેર સભામાં 55.57 મિનિટ પર મોંઘવારી મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરોધીઓ પર નિશાન સાધતાં એવું કહ્યું કે, દુનિયાની સરખામણીએ આપણો દેશ આજે મજબૂત સ્થિતિમાં છે અને ભારતની મજબૂત સ્થિતિ જોઈને કેટલાક લોકોની સવારની ચા બગડી જતી હશે. પ્રધાનમંત્રીએ ઉદાહરણ સાથે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં 50 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. અમેરિકામાં 45 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. દુનિયાભરના લોકો લખે છે દુનિયા મંદીના મોજામાં ડૂબી રહી છે. વર્લ્ડ બેંક અને IMFવાળા લખે છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ લખે કે આખી દુનિયા મંદી તરફ ગતિ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે. વિકસિત દેશોમાં વ્યાજદર વધી ગયા છે. આખી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી ગઈ છે, પરંતુ એક માત્ર ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે. જી હા… ભારત મક્કમતાથી ડગ આગળ માંડી રહ્યું છે.
આજ વીડિયો ઝી 24 કલાક દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 10 ઓક્ટોબર, 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ જ નિવેદનને 33.24 મિનિટ પછી જોઈ અને સાંભલી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં જ્યારે જામનગરની મુલાકાત લીધી ત્યારે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult:Missing Context


