
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં થયેલા વિવાદ પહેલાંનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ હલકટની વિચારધારા જુવો….કદાચ આના અડોસ પડોસમાં વામપંથી કીડાઓ રહેતાં હસે તોજ આટલો એને હીંદુ ધર્મથી વીરોધ હોય.. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે.
https://vimeo.com/manage/videos/1023523110
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2021 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘આપણે હિજરોની જેમ તાળી પાડવી પડશે?’ બ્રાહ્મણો અને હિન્દુ વિધિઓનું અપમાન કરતું AAP ના ગુજરાતના પ્રેસિડેન્ટ ગોપાલ ઇટાલિયાનો વીડિયો વાયરલ થયો.. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જૂનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર ગુજરાત તક દ્વારા પણ 28 જૂન, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા તેમનો આ વીડિયો વાયરલ થતાં માફી માંગવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગોપાલ ઈટાલિયાએ માફી માગતા નિવેદન આપ્યું હતું કે, ‘આજે કે ભૂતકાળના કોઈ વર્ષોમાં મારા કોઈ વાતથી, વર્તનથી ખરેખર જો આવું કંઈ બન્યું હોય તો તેમાં હું ખુલ્લા મનથી ક્ષમા માંગુ છું. તેમાં કોઈ મોટી વાત નથી. ખરેખર આવું જો કોઈ કૃત્ય કર્યું હોય ઈરાદાથી ગેરઈરાદાથી ક્યાંય પણ તો તેમાં ક્ષમા માગવા મને સંકોચ નથી. મારી વાત એટલી જ છે કે આવું અત્યાર જ શા માટે થાય છે, કેમ ચૂંટણી આવે ત્યારે જ અને પાર્ટી સક્રિય બને ત્યારે જ લોકોની લાગણીઓ દુભાય છે. પણ જેન્યુન રીતે ખરા દિલથી જો કોઈને દુઃખ થયું હોય તો માફી માગીએ છીએ. તેમાં કોઈ સવાલ નથી.’
ઉપરોક્ત આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. divyabhaskar.co.in | gujarati.abplive.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં થયેલા વિવાદ પહેલાંનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
