
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હથકડી પહેરેલા લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકા દ્વારા ગેરકાયદેસર ભારતીયોને હથકડી પહેરાવીને ભારત પરત મોકલવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હથકડી પહેરેલા લોકોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અમેરિકા દ્વારા પરત કરવામાં આવેલા ગ્વાટેમાલાના ગેરકાયદેસર નાગરિકોનો છે. આ ફોટોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 5 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોતી ના પરમ મિત્ર તમ્પ ભાઈ એવા બંધક બનાવીને મોકલ્યા છે કે મોટો અપરાધ કર્યો,. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકા દ્વારા ગેરકાયદેસર ભારતીયોને હથકડી પહેરાવીને ભારત પરત મોકલવામાં આવ્યા તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો સાથેના સમાચાર ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા 30 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા અને મેક્સિકોમાં દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં ભારતીયો વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ ફોટો એસોસિએટેડ પ્રેસ (AP) દ્વારા પણ તેની સત્તાવાર વેબસાઇટ પર 30 જાન્યુઆરી, 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “ફેસ માસ્ક, હાથ અને પગમાં બેડીઓ પહેરેલા સ્થળાંતરીઓ ગ્વાટેમાલામાં તેમના દેશનિકાલની રાહ જોઈને, ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025 ના રોજ, અલ પાસો, Tx. માં ફોર્ટ બ્લિસ ખાતે લશ્કરી વિમાનમાં બેઠા છે”.
વધુમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર, 205 લોકોને ભારત પાછા મોકલવામાં આવ્યા હતા જે આજે અમૃતસર પહોંચશે. જો કે આજે બપોરે 104 લોકો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ યુએસ મિલિટરી સી-17 એરક્રાફ્ટમાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હથકડી પહેરેલા લોકોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અમેરિકા દ્વારા પરત કરવામાં આવેલા ગ્વાટેમાલાના ગેરકાયદેસર નાગરિકોનો છે. આ ફોટોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો હથકડી પહેરેલા લોકોના વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
