
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,
તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધી તેના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટા તાજેતરના નહીં પરંતુ વર્ષ 2016માં ઓડિશા ખાતે બનેલી ઘટનાના છે. જેમાં દેખાઈ રહેલા બે વ્યક્તિ પિતા-પુત્ર નહીં પરંતુ એક આરોગ્ય કેન્દ્રના કર્મચારી છે. સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 1 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 📰 હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નહીં, પતિ-પુત્રએ મજબુર મૃતદેહના હાથ-પગ તોડી પાડ્યા…!
શું ખરેખર આપણી હેલ્થ સિસ્ટમ બગડી ગઈ છે?
એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ ન આપવા માટે પત્ની/માતા ની લાશ ગામમાં લઈ જવા મજબુર થવું પડ્યું, જેથી તેને બેગમાં મૂકી ઘરે મોકલી શકાય.
વિચારો, એક પરિવાર માટે આનાથી મોટું અપમાન અને દુઃખ શું હોઈ શકે?
➡️ આરોગ્ય તંત્રની બેદરકારી
➡️ એમ્બ્યુલન્સ સેવાઓનો અભાવ
➡️ ગરીબ પરિવારો ની મજબૂરી
આવા સમાચાર માત્ર “વાયરલ પોસ્ટ” ના બની જવા જોઈએ — આપણે હિસાબ માંગવી પડશે.
તમે શું વિચારો છો? આવા કેસો પર સરકાર તરફથી કડક પગલા લેવા જોઈએ નહીં? આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધી તેના આ ફોટા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને NDTV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટા સાથેના સમાચાર 27 ઓગસ્ટ, 2016ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટા ઓડિશા રાજ્યના બાલાસોર જિલ્લાના સોરો ખાતે બનેલી ઘટનાના છે. જેમાં સલમાની બેહેરા નામની એક વૃદ્ધ મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી અને તેમને અહીંના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. તેણીના મૃત્યુ પછી, તેણીને પોસ્ટમોર્ટમ માટે ટ્રેન દ્વારા 30 કિમી દૂર હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. પરંતુ કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી. ઉપરાંત, મૃતકના પુત્ર પાસે રિક્ષાચાલકને આપવા માટે પૈસા નહોતા. આ દરમિયાન, મૃતક મહિલાનું શરીર કડક થઈ ગયું હતું. તેથી, ત્યાંના કર્મચારીઓએ શરીરના અંગો કાપી નાખ્યા અને તેને કોથળામાં ભરીને રેલવે સ્ટેશન લઈ ગયા હતા.

ઉપરોક્ત સમાચારમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ શરીરના અંગો કાપી નાખ્યા હતા. સ્ટ્રેચર પરની વ્યક્તિ એક કર્મચારી છે. ન્યૂઝ 18ની વેબસાઇટ પરના સમાચારમાં પણ આ બાબતને પ્રકાશિત કરવામાં આવી છે. ઉપરાંત, જ્યારે આ કર્મચારીઓ શબના અંગો કાપી રહ્યા હતા, ત્યારે મૃતક મહિલાનો પુત્ર ત્યાં હાજર હતો. તેણે અંગો કાપ્યા ન હતા.

પોસ્ટમાં રહેલા આ જ ફોટાનો ઉપયોગ 27 ઓગસ્ટ, 2016ના રોજ વન ઇન્ડિયાની હિન્દી ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત એક સમાચાર અહેવાલમાં કરવામાં આવ્યો હતો. એક ફોટાના કેપ્શનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આ ફોટામાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ મૃતદેહને બેગમાં ભરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે, ફોટામાં દેખાતા આ બે લોકો મૃતકના પતિ અને પુત્ર નથી. તેઓ આરોગ્ય કર્મચારી છે.

આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઓડિશાના માનવ અધિકાર પંચે આરોગ્ય કેન્દ્રની તપાસ શરૂ કરી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ અંગે એક વીડિયો ન્યૂઝ રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. તમે તેને નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટા તાજેતરના નહીં પરંતુ વર્ષ 2016માં ઓડિશા ખાતે બનેલી ઘટનાના છે. જેમાં દેખાઈ રહેલા બે વ્યક્તિ પિતા-પુત્ર નહીં પરંતુ એક આરોગ્ય કેન્દ્રના કર્મચારી છે. સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
Title:તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધો હોવાના નામે વાયરલ ફોટાઓનું જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False


