બિહારના યુવાનને ગૂગલમાં નોકરી મળી હોવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

બિહારના ઋતુરાજ ચૌધરીએ ગૂગલ હેક કર્યું ન હતું. તેણે માત્ર ગૂગલની સિસ્ટમમાં એક બગ શોધી કાઢ્યો અને બદલામાં તેને ગૂગલ દ્વારા હોલ ઓફ ફેમ અને સંશોધકની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુગલને હેક કરવા બદલ બિહારના ઋતુરાજ ચૌધરી નામના યુવકને ગુગલે 3.66 કરોડની નોકરીની ઓફર કરી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુગલને હેક કરવા બદલ બિહારના ઋતુરાજ ચૌધરી નામના યુવકને ગુગલે 3.66 કરોડની નોકરીની ઓફર કરી.

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ સમગ્ર મામલો શું છે એ વિશેની માહિતી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રાપ્ત થઈ હતી. જેના અનુસાર, બિહારના બેગુસરાઈના રહેવાસી ઋતુરાજ ચૌધરી નામના એન્જિનિયરિંગના વિદ્યાર્થીને ગૂગલની પ્રોડક્ટમાં બગ મળી આવ્યો હતો. આ ખામીએ હેકર્સને Google ઉત્પાદનોમાંથી ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપી હશે. ગૂગલે ઋતુરાજની આ મહત્વપૂર્ણ સમસ્યા શોધવા બદલ પ્રશંસા કરી અને તેને સંશોધકોની યાદીમાં સામેલ કર્યો.

અમારી વધુ તપાસમાં અમને ઝી બિહાર ઝારખંડ દ્વારા 2 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, ગૂગલે તેમને કરોડો રૂપિયાની નોકરીની ઓફર કરી હતી.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોએ ફરીથી ઋતુરાજ ચૌધરીનો સંપર્ક કરી આ માહિતી વિશે પૂછતાં તેમણે અમને કહ્યું હતું કે, “ગૂગલ તરફથી રૂ. 3.66 કરોડના પેકેજ સાથેની નોકરીની ઓફરની માહિતી ખોટી છે. તે પોતે ટ્રિપલ-આઈટી મણિપુર કોલેજમાં બીજા વર્ષનો વિદ્યાર્થી છે.”

તેણે પોતે LinkedIn નામની પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર આ વાતનો ખુલાસો પણ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, “મને Google તરફથી કોઈ પેકેજ કે નોકરી મળી નથી. ઉપરાંત મેં ગૂગલ હેક કર્યું નથી. મને હમણાં જ ગુગલમાં એક બગ મળી હતી. હાલમાં હું B.Tech ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સોશિયલ મીડિયા પર મારા વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.”

ઋતુરાજે વાસ્તવમાં શું કર્યું?

ટેક્નોલોજી અને સોફ્ટવેર કંપનીઓ દ્વારા સોફ્ટવેર ડેવલપર્સ, પ્રોગ્રામર્સ અને સંશોધકોને તેમની સિસ્ટમમાં તકનીકી અને સુરક્ષા ખામીઓ શોધવા માટે બોલાવવામાં આવે છે. આને બગ બાઉન્ટી પ્રોગ્રામ કહેવામાં આવે છે. આવો પ્રોગ્રામ ગૂગલ દ્વારા પણ ચલાવવામાં આવે છે. જેના માટે કંપનીઓ આ બગ શોધનારાઓને રોકડ પણ ચૂકવે છે.

ઋતુરાજને પણ આવી જ બગ બાઉન્ટી હેઠળ ગૂગલની સિસ્ટમમાં બગ મળ્યો હતો. સાયબર સુરક્ષાની ભાષામાં, નબળાઈઓને P5 થી P0 ની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. P0 નો ગ્રેડ એ એક ભૂલ છે જે સિસ્ટમ માટે સૌથી મોટું જોખમ ઊભું કરે છે. ઋતુરાજ દ્વારા શોધાયેલ ભૂલની શ્રેણી P2 છે.

ઋતુરાજ હજુ પણ આ સમસ્યા પર કામ કરી રહ્યા છે અને ગૂગલે તેમના સંશોધનની નોંધ લીધી છે.

લલ્લનટોપ સાથે વાત કરતા ઋતુરાજે જણાવ્યું કે, તે મણિપુરની આઈઆઈટી કોલેજમાં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા પર તેને IIT સ્ટુડન્ટ તરીકે ખોટી રીતે વર્ણવવામાં આવી રહ્યો છે. તેમજ તેનો પાસપોર્ટ ભારત સરકાર દ્વારા બે કલાકમાં તૈયાર કરવામાં આવ્યો ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, બિહારના ઋતુરાજ ચૌધરીએ ગૂગલ હેક કર્યું ન હતું. તેણે માત્ર ગૂગલની સિસ્ટમમાં એક બગ શોધી કાઢ્યો અને બદલામાં તેને ગૂગલ દ્વારા હોલ ઓફ ફેમ અને સંશોધકની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બિહારના યુવાનને ગૂગલમાં નોકરી મળી હોવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *