
તાજેતરમાં સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથ અને રવિ કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથ અને રવિ કિશનના સામે એક કલાકાર અભદ્ર શબ્દોમાં ગીત ગાઈ રહ્યો છે અને તેઓ આ ગીતની મજા લઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યોગી આદિત્યનાથ અને રવિ કિશનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં કલાકાર શ્રી રામ, રાધેશ્યામ બેઠે હૈ મેરે સીને મે એ ગીત ગાઈ રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 9 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથ અને રવિ કિશનના સામે એક કલાકાર અભદ્ર શબ્દોમાં ગીત ગાઈ રહ્યો છે અને તેઓ આ ગીતની મજા લઈ રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો ભારત 24 લાઈવ નામની એક યુટ્યુબ ચેનલ પર 17 ઓગસ્ટ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની નીચે લખેલા કેપ્શન પરથી જાણવા મળ્યું કે, આ વીડિયો જન્માષ્ટમીના દિવસે યોગી આદિત્યનાથ અને અને રવિ કિશન ભક્તિમય થયા હતા તેનો છે. આ વીડિયોમાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના શબ્દો સાથેનું ગીત સાંભળી શકાતું નથી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો એડિટ કરેલો છે.
અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો વધુ એક સમાચાર ચેનલ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ક્યાંય દાવા મુજબનું સંગીત સાંભળવા મળતું નથી.
વધુમાં અમને આ જ વીડિયો અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થી હતી. જે તમે અહીં જોઈ શકો છો. News Hindustan Live | The Neuz Social
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યોગી આદિત્યનાથ અને રવિ કિશનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં કલાકાર શ્રી રામ, રાધેશ્યામ બેઠે હૈ મેરે સીને મે એ ગીત ગાઈ રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો યોગી આદિત્યનાથ અને રવિ કિશનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


