
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંમતનગર ખાતે ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. આ વીડિયોમાં બિહારના સિવાનમાં વર્ષ 2019માં બનેલી ઘટનાનો ઓડિયો એડિટ કરવામાં આવ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુઓ આ ભાજપ વાળા શું માંગ કરી રહ્યા છો, પોતાના માં થોડી પણ હિંમત હોય તો ભાજપ માં હોદ્દા ભોગવતા એસટી એસસી ના સેલ વાળાએ રાજીનામું આપવું.. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંમતનગર ખાતે ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને વાયરલ વીડિયોમાં સાંભળવા મળતા આજ નારા સાથેનો એક વીડિયો પબ્લિક ટીવી બિહાર દ્વારા તેના ફેસબુક પેજ પર 22 એપ્રિલ, 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘सिवान से भाजपा समर्थित नीतीश कुमार की जदयू प्रत्याशी हिंदू युवा वाहिनी प्रदेश अध्यक्ष की पत्नी “कविता सिंह” के नामांकन जुलूस में SC-ST मुर्दाबाद, आरक्षण हाय हाय जैसे नारे खुलेआम लग रहे है।‘
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય ફેસબુક યુઝર દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ વાયરલ વીડિયોમાં જે નારેબાજી થઈ રહી છે એ તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો. Facebook Post 1 | Facebook Post 2
વધુમાં અમને આજ વીડિયો અને નારેબાજી પર ચર્ચા કરી રહેલા એક યુવાનનો અભિપ્રાય આપતો વધુ એક વીડિયો એક સત્તાવાર યુટ્યુબ યુઝર દ્વારા 27 જાન્યુઆરી, 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 2
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે મે હિંમતનગરના લોકલ પત્રકારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ભાજપની રેલીમાં આ પ્રકારે નારેબાજી કરવામાં આવી હોય એવી કોઈ જ ઘટના અમારા વિસ્તારમાં બની નથી. આ વીડિયો હિંમતનગરનો જ છે પરંતુ એમાં ઓડિયો એડિટ કરવામાં આવ્યો છે.
નીચે તમે વાયરલ વીડિયો અને વાસ્તવિક વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. આ વીડિયોમાં બિહારના સિવાનમાં વર્ષ 2019માં બનેલી ઘટનાનો ઓડિયો એડિટ કરવામાં આવ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ના નારા લાગ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય..
Fact Check By: Vikas VyasResult: Altered
