
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટેન્કરમાં થયેલા બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે થયેલા બ્લાસ્ટનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડૉ ટેન્કરમાં થયેલા બ્લાસ્ટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ ઓક્ટોમ્બર 2024 માં રશિયા ખાતે થયેલા બ્લાસ્ટનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે જયપુર બ્લાસ્ટ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 22 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર બ્લાસ્ટ. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે થયેલા બ્લાસ્ટનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો અજરબૈજાનની એક સમાચાર ચેનલ CBC TV Azerbaijan ના યુટ્યુબ પર 13 ઓક્ટોમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગ્રોઝની ખાતે ગેસ સ્ટેશનમાં થયો બ્લાસ્ટ.
ઉપરોક્ત વીડિયોના સમય અને તારીખ પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, રાજસ્થાનના જયપુરમાં ગેસ ટેન્કરમાં 20 ડિસેમ્બર, 2024 ના રોજ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ વીડિયો એ પહેલાંનો છે. ત્યાર બાદ અમે ગ્રોઝની કીવર્ડથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ એક રશિયામાં આવેલા શહેરનું નામ છે.
અમારી વધુ તપાસમાં અમને 13 ઓક્ટોબર, 2024ના રોજ અપલોડ કરાયેલ અલ જઝીરા અંગ્રેજીની YouTube ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “રશિયાના ચેચન્યામાં પેટ્રોલ સ્ટેશન પર બળતણની ટાંકીમાં વિસ્ફોટ થયો આ તે સમયના વીડિયો ફૂટેજ છે, જેનાથી એક વિશાળ અગનગોળો સર્જાયો હતો. વિસ્ફોટમાં બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા હતા.”
અમારી વધુ તપાસમાં અમને CNN-News18 દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “રશિયાના દક્ષિણી પ્રદેશ ચેચન્યામાં ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું. રશિયાના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રાદેશિક રાજધાની ગ્રોઝનીના સર્વિસ સ્ટેશનમાં ગેસ ટાંકી વિસ્ફોટને કારણે આગ લાગી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, આગને કાબૂમાં લેવા માટે સાત ફાયર એન્જિન અને 35 ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે.”
વાયરલ વીડિયો 13 ઓક્ટોબર, 2024ના રોજ તુર્કીની જાહેર પ્રસારણ સેવા TRT વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “શનિવાર, ઓક્ટોબર 12 ના રોજ ચેચન્યાના ગ્રોઝની શહેરમાં ઇંધણ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા”.
રોઇટર્સમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે, “રશિયન ક્ષેત્રના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે, ચેચન્યાની રાજધાની ગ્રોઝનીમાં ઇંધણ સ્ટેશન પર વિસ્ફોટ પછી શનિવારે માર્યા ગયેલા ચાર લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે”.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટેશન પર ઇંધણની ટાંકીમાં વિસ્ફોટ થયો હતો, જેના પરિણામે આગ લાગી હતી અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.
ચેચન્યાના નેતા રમઝાન કાદિરોવે ટેલિગ્રામ પર કહ્યું કે, તેમની પાસે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ માટે જવાબદાર લોકોને ન્યાય અપાશે, પરંતુ વધુ વિગતો આપી ન હતી.
અમારી વધુ તપાસમાં અમને અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડૉ ટેન્કરમાં થયેલા બ્લાસ્ટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ ઓક્ટોમ્બર 2024 માં રશિયા ખાતે થયેલા બ્લાસ્ટનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે જયપુર બ્લાસ્ટ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો તાજેતરમાં જયપુર ખાતે થયેલા બ્લાસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
